EVM સરળતાથી હેક કરી શકાય છે : ઈલોન મસ્ક
આવા મશીનથી બચીને તેને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે.
ભાજપના નેતાએ કહ્યું, મસ્કનું નિવેદન હળાહળ ખોટુ
ટેસ્લા કંપનીનાં સી.ઈ.ઓ. ઈલોન મસ્કે ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન ઉપર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, ઈવીએમને સરળતાથી હેક કરી શકાય છે. મસ્કે એક પોસ્ટમાં કહ્યું છે કે, હવે ઈવીએમથી બચવાનો સમય આવી ગયો છે અને તેને સમાપ્ત કરવાની જરુરુ છે.
મસ્કે તો ત્યાં સુધી કહ્યું કે, માણસ હોય કે એ.આઈ. ઈવીએમને હેક કરવાનું જોખમ કાયમ ઉભું જ રહે છે.
મસ્કના આ નિવેદનનો જવાબ આપતા ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, મસ્કની વાત માનીએ તો કોઈ વ્યક્તિ સુરક્ષિત ડીજીટલ હાર્ડવેર બનાવી ન શકે. પરંતુ તેની વાત સદંતર ખોટી છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે, અમેરિકા કે અન્ય સ્થળ માટે તેમની વાત સાચી હોઈ શકે છે. કારણ કે ત્યાં ઈન્ટરનેટ સાથે જોડાયેલા ઈવીએમ બનાવવા માટે નિયમિત રીતે કોમ્પ્યુટર પ્લેટફોર્મનો ઉપયોગ થાય છે પરંતુ ભારતમાં એમ થતું નથી .
રાહુલ ગાંધીએ કહ્યું EVM બ્લેક બોક્સ છે.
ચૂંટણીના પરિણામો પછી ઈવીએમનો મુદ્દો ગાયબ થઇ ગયો હતો પરંતુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત આ મુદ્દો ઉભો કર્યો છે. રાહુલ ગાંધીએ ઈલોન મસ્કની પોસ્ટને રીટવીટ કરતા લખ્યું છે કે, ભારતમાં ઈવીએમ એક બ્લેક બોક્સ છે અને કોઈને તેની તપાસ કરવાની મંજુરી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જયારે ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ બેજવાબદાર બની જાય છે ત્યારે લોકશાહી માત્ર દેખાવ પુરતી જ રહે છે.
પોતાની પોસ્ટમાં મુંબઈની ઘટનાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મુંબઈ પોલીસે એન.ડી.એ. નાં સાંસદ રવીન્દ્ર વાયકરના સાળા મંગેશની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો છે. મંગેશ ઉપર આરોપ છે કે, તેમણે મુંબઈના ગોરેગાંવ ગણતરી કેન્દ્ર ઉપર પ્રતિબંધ હોવા છતાં મોબાઈલનો ઉપયોગ કર્યો હતો.પોલીસે મંગેશ ઉપરાંત ચૂંટણી પંચનાં એક કર્મચારી સામે પણ કેસ દાખલ કર્યો છે. આ ચૂંટણીમાં એન.ડી.એ.ના ઉમેદવાર રવીન્દ્ર વાયકર માત્ર ૪૮ મતે જીત્યા હતા.