ઇવીએમ મુદ્દે એલોન મસ્ક અને રાજીવ ચંદ્રશેખર વચ્ચે જામી પડી
એલોમ મસ્કે કહ્યું, કોઈ પણ વસ્તુ હેક થઈ શકે છે, ચંદ્રશેખરે કહ્યું,’ યુએસમાં થતું હશે,ભારતમાં નહીં
ચૂંટણીઓમાં ઇવીએમ દ્વારા મતદાન ન થવું જોઇએ તેવા સ્પેસ એકસના માલિક એલોન મસ્કના નિવેદન બાદ એ મુદ્દે ભારતમાં વિવાદ જામ્યો છે.ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મસ્કનો અભિપ્રાય તથ્યો પર આધારિત ન હોવાનું જણાવી હેક ન થઈ શકે તેવા ઇવીએમ મશીન બનાવવા માટે મસ્કને ‘ શિક્ષણ ‘ આપવાની તૈયારી બતાવ્યા બાદ મસ્કે વળતો જવાબ આપ્યો હતો કે કોઈ પણ વસ્તુ હેક થઈ શકે છે.આ બન્ને વચ્ચેના વિવાદમાં ઝંપલાવીને રાહુલ ગાંધીએ ઇવીએમ ને ‘ બ્લેક બોક્સ ‘ ગણાવ્યું હતું.
અમેરિકાના પ્યુર્ટો રિકુ ની પ્રાયમરી ચૂંટણીમાં ઇવીએમ માં ગેરરીતી થયાનું જણાવી પ્રમુખ પદની ચૂંટણીના અપક્ષ ઉમેદવાર રોબર્ટ કેનેડી જુનિયરે મતદાન બેલોટ પેપરથી જ કરવાની હાકલ કરી હતી.તેના પ્રતિભાવરૂપે એલાન મસ્કએ ઇવીએમ માણસો દ્વારા અથવા એ આઈ દ્વારા હેક થઈ શકતા હોવાનું જણાવી તેનો ઉપયોગ બંધ કરી દેવાનો અનુરોધ કર્યો હતો.
તેના પ્રતિભાવરૂપે રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે યુએસ માં એવું બનતું હશે, ભારતમાં એ શક્ય નથી. તેમણે કહ્યું કે ભારતમાં ઉત્પાદિત થતાં ઇવીએમ કસ્ટમ ડિઝાઇનડ છે.તેમાં વાઈ ફાઈ,ઈન્ટરનેટ કે બ્લુ ટૂથ કનેક્ટિવિટી નથી. તેમણે કહ્યું કે એવા ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન અંગે શિક્ષણ આપવામાં અમને આનંદ થશે.રાજીવ ચંદ્રશેખરની એ ટિપ્પણી બાદ એલોન મસ્ક એ એક લીટીનો જવાબ આપ્યો કે કોઈ પણ વસ્તુ હેક થઈ શકે છે.નોંધનીય છે કે વિશ્વના અનેક દેશોએ ઇવીએમ નો ઉપયોગ બંધ કરી દીધો છે.ભારતમાં પણ વિપક્ષો લાંબા સમયથી બેલોટ પેપર દ્વારા મતદાન કરાવવાની માંગણી કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ વિવાદમાં ઝંપલાવ્યું
X (ટ્વીટર) પર એક પોસ્ટમાં, ગાંધીએ કહ્યું, “ભારતમાં EVM એક ‘બ્લેક બોક્સ’ છે, અને કોઈને તેની તપાસ કરવાની મંજૂરી નથી. અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે અને છેતરપિંડીનો શિકાર બને છે ત્યારે લોકશાહીનો અંત આવી જાય છે.