ભલે થાય 20 વર્ષની જેલ બાકી સમાધાન તો સ્મશાને જ થશે !! રાજકોટના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીને આપી ધમકી
- ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીને ચાર ભાઈ-બહેન સહિત પાંચ લોકોએ ઈન્સ્ટાગ્રામ પર રિલ અપલોડ કરીને આપી ધમકી
- બેફામ ગાળો લખતી, જાનથી મારી નાખવાની ધમકી આપતું લખાણ લખી વેપારીને ડરાવતાં પોલીસ ફરિયાદઃ એકને ઉઠાવી લેતી પોલીસ
સોશ્યલ મીડિયા અને તેમાં પણ ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ રિલ્સનો અત્યારે એટલો ક્રેઝ છે કે લોકો જેવા નવરા પડે એટલે તે જોવા લાગે છે ! જો કે હવે આ રિલ્સ લોકોને પોલીસ મથક સુધી લઈ જવા માટે પણ પંકાઈ ગઈ હોય તેનો ઉપયોગ કરતાં સો વખત વિચાર કરવો જરૂરી બની ગયો છે. આવી જ ઈન્સ્ટાગ્રામ રિલ્સ થકી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીને ચાર ભાઈ-બહેન સહિત પાંચ લોકોએ બેફામ ગાળો સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ પછી ગાંધીગ્રામ પોલીસે એક શખ્સને પકડી પાડ્યો હતો.
આ અંગે અક્ષરનગર મેઈન રોડ ઉપર આશાપુરા મંદિર પાસે રહેતા અને ઘરબેઠા જ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું બુકિંગ કરતા પ્રકાશ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ લખલાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે 1-11-2024ના તેને મનિષ બાબુભાઈ ધામેચા, અમિત બાબુભાઈ ધામેચા, ચિરાગ બાબુભાઈ ધામેચા, મીત મનિષભાઈ ધામેચા તેમજ ઋષિ ઉર્ફે આર.સી.ગોહિલ સાથે માથાકૂટ થતાં આ પાંચેયે હથિયારથી હુમલો કરતાં તમામ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે તમામની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં જેલહવાલે કરવામાં આવ્યા હતા.
જેલમાંથી વારાફરતી જામીન પર છૂટ્યા બાદ આ તમામે પ્રકાશના મીત્ર મોહિતસિંહ ઝાલા મારફતે સમાધાનની વાત કરી હતી પરંતુ સમાધાન કરવાની ના કહેતાં મનિષ, ધામેચા, નિશા બાબુભાઈ ધામેચા, અમિત બાબુભાઈ ધામેચા, ચિરાગ બાબુભાઈ ધામેચા અને મિત મનિષભાઈ ધામેચાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ભલે થાય 20 વરસની જેલ, આજ ખુદ કો શેર સમઝ રહે હૈ ઉન કુત્તો કો જાકે બતાઓ ઈસ જંગલ કા શેર અભી જિંદા હૈ, મર્દના સમધાના સ્મશાને જ થાય સહિતના ધમકીભર્યા લખાણ તેમજ બેભામ ગાળો લખેલી પોસ્ટ શેયર કરતાં પોતાને જીવનું જોખમ હોવાના ભયથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે અમિત ધામેચાને પકડી પાડ્યો હતો.