EPFOનો નિયમ બદલાયો, હવે ત્રણ દિવસમાં જ મળી જશે રૂપિયા
પહેલા ઈમરજન્સીમાં ૫૦ હજાર મળતા હતા જે હવે વધારીને ૧ લાખ કરાયા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પીએફમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. EPFO એ ઓટો મોડ સેટલમેન્ટ ની શરૂઆત કરી છે. 6 કરોડથી વધુ પીએફ સભ્યોને આનો ફાયદો થશે. આ એક એવી સુવિધા છે કે જે ઈમરજન્સીમાં પીએફ મેમ્બર્સને ફંડ પૂરું પાડે છે. આની અંતર્ગત હવે 3 દિવસની અંદર જ પૈસા તમારા બેંક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવશે.
ઓટો મોડ સેટલમેન્ટ અંતર્ગત ઈમરજન્સીના સમયે કર્મચારી પોતાના EPF થી એડવાન્સ પૈસા ઉપાડી શકે છે. EPFO કેટલાક પ્રકારની ઈમરજન્સી માટે પોતાના સબસ્ક્રાઈબર્સને ફંડમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપે છે. આ ઈમરજન્સીમાં બીમારીની સારવાર, અભ્યાસ, લગ્ન અને ઘર ખરીદવું સામેલ છે. આમાંની કોઈ એક ઈમરજન્સી માટે, તમે તમારા પીએફ એકાઉન્ટમાંથી એડવાન્સ ફંડ ઉપાડી શકો છો.
ઈમરજન્સીમાં આ ફંડના ક્લેમ સેટલમેન્ટ માટે ઓટો મોડની શરૂઆત એપ્રિલ 2020થી જ થઈ ગઈ હતી, પરંતુ તે સમયે માત્ર બીમારીના સમયે જ પૈસા ઉપાડી શકાતા હતા. હવે તેનો દાયરો વધારી દેવામાં આવ્યો છે. તમે બીમારી, શિક્ષણ, લગ્ન અને ઘર ખરીદવા માટે પણ EPFમાંથી પૈસા ઉપાડી શકો છો. આ સાથે હવે સબ્સ્ક્રાઇબર્સ બહેન કે ભાઈના લગ્ન માટે પણ એડવાન્સ ફંડ ઉપાડી શકે છે.
EPF એકાઉન્ટમાંથી એડવાન્સ ફંડની લિમિટ વધારી દેવામાં આવી છે. પહેલા આ લિમિટ 50,000 રૂપિયા હતી, જે હવે વધારીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. એડવાન્સ ઉપાડવાનું કામ ઓટો સેટલમેન્ટ મોડ કોમ્પ્યુટર દ્વારા થઈ જશે. કોઈની મંજૂરીની જરૂર નથી પડતી. પૈસા ત્રણ દિવસમાં જ તમારા એકાઉન્ટમાં આવી જાય છે. જો કે તમારે કેટલાક ડોક્યુમેન્ટ સબમિટ કરવા જરૂરી છે. એમાં KYC, ક્લેમ રિક્વેસ્ટની એલિજિબિલિટી અને બેંક એકાઉન્ટની વિગતોનો સમાવેશ થાય છે.