દેશમાં એકસાથે ચૂંટણી યોજવા ચૂંટણી પંચે રૂ.8000 કરોડ માગ્યા : લાખો નવા EVM-વીવીપેટની જરૂર, ૭ લાખ જવાનોને તૈનાત કરવા પડશે
ચૂંટણી પંચે કોવિન્દ સમિતિને કરી જાણ: વ્યવસ્થા તંત્રમાં જ આટલો ખર્ચ થશે: બેલેટ યુનિટ, વીવીપેટ, મતદાર યાદીઓ સહિતની અનેક કામગીરી અઘરી છે
લાખો નવા ઇવીએમ-વીવીપેટની જરૂર
માર્ચ ૨૦૨૩માં લો કમિશનને મોકલવામાં આવેલા ઇનપુટમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે ૨૦૨૯માં તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે દેશભરમાં મતદાન મથકોની સંખ્યા વધારીને લગભગ ૧૩.૬ લાખ કરવી પડશે. આ માટે ૫૩.૮ લાખ બેલેટ યુનિટ, ૩૮.૭ લાખ કંટ્રોલ યુનિટ અને ૪૧.૬ લાખ વોટર-વેરીફાઈબલ પેપર ઓડિટ ટે્રલ ની જરૂર પડશે. આવી સ્થિતિમાં ૨૬.૫ લાખ નવા બીયુ, ૧૭.૮ લાખ સીયુ અને ૧૭.૮ લાખ નવા વીવીપેટ ખરીદવા પડી શકે છે.
૭ લાખ જવાનોને તૈનાત કરવા પડશે
ચૂંટણી પંચે એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે મોટી સંખ્યામાં મતદાન કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓની જરૂરિયાત તરફ પણ ધ્યાન દોર્યું છે. કમિશનનો અંદાજ છે કે એકસાથે ચૂંટણી કરાવવા માટે હાલની સરખામણીએ ૫૦ ટકા વધુ કેન્દ્રીય દળોની જરૂર છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે જો ૨૦૧૯માં એકસાથે ચૂંટણી થાય તો ૪.૭ લાખથી વધુ કર્મચારીઓની જરૂર પડશે. પરિસ્થિતિ મુજબ કદાચ અમુક રાજ્યોમાં વધુ જવાનોની જરૂર પણ પડી શકે છે.
નરેન્દ્ર મોદી સરકાર દેશભરમાં એકસાથે તમામ ચૂંટણીઓ કરાવવા માટે ઝડપી પગલાં લઈ રહી છે. કેબિનેટે ‘વન નેશન-વન ઇલેક્શન’ પર રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને સ્વીકારી લીધી છે. એવું માનવામાં આવે છે કે સરકાર આ બિલને સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરશે. જો કે, આ માર્ગમાં ઘણી મુશ્કેલીઓ દેખાઈ રહી છે. ખર્ચથી માંડીને વ્યવસ્થા તંત્રને લઈને ઘણી તૈયારીઓ કરવી પડશે. ૨૦૨૯ માં દેશભરમાં બધી ચુંટણી એક સાથે કરવા માટે રૂપિયા ૮ હજાર કરોડનો ખર્ચ ચુંટણી પંચને થશે. પંચે કોવિન્દ સમિતિને આ મુજબની જાણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક રાષ્ટ્ર, એક ચૂંટણી, મતદાર યાદીથી લઈને ઈલેક્ટ્રોનિક વોટિગ મશીન (ઈવીએમ) અને મતદાન કર્મચારીઓની અવરજવરમાં અનેક અવરોધો છે. ચૂંટણી પંચે કોવિદ સમિતિને આપેલા જવાબમાં એમ પણ કહ્યું હતું કે વર્ષ ૨૦૨૯માં એકસાથે તમામ ચૂંટણીઓ કરાવવા માટે ૮ હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવામાં સખત પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે અને તેથી આ યાદી તો ઠીક છે, પરંતુ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની જરૂર પડશે.