હિંમતનગર હાઈવે પર ગોઝારો અકસ્માત : શામળાજીથી પરત ફરતા સમયે ટ્રેલરની પાછળ ઈનોવા ઘૂસી જતાં 7 લોકોના કમકમાટીભર્યા મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી સામે આવી છે જેમાં ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા સાતના લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા તેમજ ઘટનાની જાણ થતાં પોલીસના અધિકારીઓએ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની છે જ્યાં સહકારી જીન નજીક મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી પાસે આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં શામળાજી તરફથી અમદાવાદ તરફ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં એકની હાલત ગંભીર છે જેની સારવાર ચાલી રહી છે.
તમામ મૃતકો અમદાવાદના રહેવાશી હોવાનો દાવો
અકસ્માતની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાશી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01RU0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હોવાના અહેવાલ છે. મૃતકોના નામ હજુ સુધી સામે આવ્યા નથી પરંતુ મોટાભાગના મૃતકો અમદાવાદી હોવાની જાણકારી મળી છે. જે એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મૃતકોની યાદી
1)ધનવાની ચિરાગ રવિભાઈ
2) રોહિત
3) સાગર ઉદાની
4) ગોવિંદ
5) રાહુલ
6) રોહિત સહિત 7 લોકોના મોત નિપજ્યાં છે.
ઇજાગ્રસ્તનું નામ
1) હનીભાઈ શંકરલાલ તોતવાની