તામિલનાડુના મંત્રીને ત્યાં ઇડીના દરોડા
સ્ટાલિનના સાથીદારને ત્યાં ૨૦૧૯નાં જુના કેસને લઈને તપાસ શરુ
તામિલનાડુમાં ડી.એમ.કે. સરકારના વધુ એક મંત્રી ઇડીની નજરે પડ્યા છે અને તેમને ત્યાં તપાસ શરુ કરી છે. સુત્રો અનુસાર, ડી.એમ.કે.નેતા અને રાજ્યના મંત્રી દુરઈ મુરુગનથી જોડાયેલાં અનેક સ્થળો પર ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા 2019માં નોંધાયેલા એક કેસને લઈને પાડવામાં આવ્યા છે.
દુરઈ મુરુગન તામિલનાડુમાં સત્તારૂઢ પક્ષના મહાસચિવ અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના નજીકના સહયોગી છે. તેઓ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિની નજીકની વ્યક્તિ હતા. તામિલનાડુના જળ સંસાધન મંત્રી દુરઈ મુરુગનના વેલ્લોર જિલ્લોમાં ઘણો પ્રભાવ છે. આ અગાઉથી ડી.એમ.કે.ના બે અન્ય મંત્રી સેંથિલ બાલાજી અને કે. પોનામુડી પણ મની લોન્ડરિંગના આરોપમાં ઇડીના કેસોનો સામનો કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ બાલાજીને આ મામલે જામીન આપ્યા છે. જે પછી બાલાજી ફરીથી સ્ટાલિન સરકારમાં મંત્રી બની ગયા છે.
વર્ષ 2019માં કથિર આનંદ અને તેમની સાથે જોડાયેલાં સ્થાનોમાંથી રૂ. 11 કરોડની બેહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી હતી. જેને પગલે વેલ્લોરમાં લોકસભા ચૂંટણી રદ કરવી પડી હતી. કથિર આનંદએસ. દુરઈમુરુગનના પુત્ર છે અને વેલ્લોર લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.