નબળા ડામર રોડને લીધે ચોમાસામાં રાજકોટને એક ખાડો રૂ.19500માં પડશે !
રાજકોટ સહિત આખા દેશમાં આ વર્ષે ચોમાસું વહેલું બેસી જવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરી દેવામાં આવી છે. રાજકોટની વાત કરવામાં આવે તો ગત વર્ષે 25થી 29 ઑગસ્ટ દરમિયાન સાંબેલાધારે 30 ઈંચ પાણી પડી જતાં શહેરની દશા અને દિશા બન્ને બદલાઈ જવા પામ્યા હતા. એક સાથે આટલા વરસાદને કારણે શહેરમાં 900થી વધુ ખાડા પડી જતાં તેને બૂરવા માટે તંત્રવાહકોના પગે પાણી ઉતરી ગયા હતા. યુદ્ધના ધોરણે ખાડા બૂરાય તે માટે ગત વર્ષે જેટપેચર મશીનથી ખાડા બૂરવાનું શરૂ કરાયું હતું જેનો ખર્ચ બે કરોડને લગોલગ થવા પામ્યો હતો. આ વર્ષે પણ ભારે વરસાદની આગાહી હોય ગત વર્ષ જેવી સ્થિતિ નિર્માણ પામે એટલે ખાડા બૂરવા માટે 1.90 કરોડના ખર્ચે જેટપેચર મશીન ભાડે લેવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.
ત્રણેય ઝોનમાં જેટપેચર મશીનથી ખાડા બૂરવાના ખર્ચનું ટેન્ડર 1.90 કરોડ રૂપિયા છે. આ પ્રમાણે જોઈએ તો રાજકોટમાં ગત વર્ષ જેટલા જ એટલે કે 900 ખાડા પડે તો એક ખાડાનો ખર્ચ 19500 રૂપિયા થશે.આ અંગે ઈજનેરોએ જણાવ્યું કે ગત વર્ષે ચોમાસું શરૂ થયા બાદ જેટપેચર મશીનથી ખાડા બૂરવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું જેની મંજૂરી સહિતની પ્રક્રિયામાં એક-દોઢ મહિનો પસાર થઈ ગયો હોવાથી કામ શરૂ કરવામાં વિલંબ થયો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે ચોમાસા પહેલાં જ ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને ટેન્ડર ભરવાની અંતિમ તારીખ 3 જૂન છે ત્યારે ત્યાં સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકીને તેને મંજૂરી મળે એટલે મશીન મેળવવાની વ્યવસ્થા કરવામાં આવશે. એકંદરે ઑગસ્ટ મહિના પહેલાં જ સઘળી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે.
ઈજનેરોએ ઉમેર્યું કે જેટપેચર મશીનથી એક ચોરસફૂટ ખાડો બૂરવાનો ખર્ચ 900થી 1000 રૂપિયા જેટલો થાય છે. આ પ્રમાણે ગત વર્ષે ત્રણેય ઝોનમાં મળી 12000 ચોરસફૂટ જગ્યામાં પડેલા ખાડા બૂરવામાં આવ્યા હતા. સ્વાભાવિક રીતે મશીનથી ખાડા બૂરવાનો ખર્ચ વધુ છે પરંતુ અમદાવાદ સહિતના શહેરોમાં અત્યારે આ પ્રમાણે જ ખાડા બૂરવામાં આવી રહ્યા છે. વળી, આ મશીન ખરીદવાની જગ્યાએ અમદાવાદથી ભાડે લેવામાં આવશે અને ચોમાસું પૂર્ણ થયા બાદ તેને પરત કરી દેવાશે. એકંદરે આ મશીન જેવો વરસાદ રોકાય કે તુરંત જ ખાડો બૂરવા માટે સક્ષમ હોવાનો દાવો પણ ઈજનેરો કરી રહ્યા છે.
…તો ગત વર્ષ કરતાં વધુ ખાડા પડશે કારણ કે…
રાજકોટમાં જો આ વર્ષે ગત વર્ષ જેટલો જ વરસાદ પડે તો પાછલા વર્ષની તુલનાએ આ વખતે વધુ ખાડા પડશે કેમ કે આખા શહેરમાં અત્યારે ડીઆઈ પાઈપલાઈન બીછાવવાનું કામ ચાલી રહ્યું હોય ખાડા ખોદવામાં આવ્યા છે જેને ચોમાસા પહેલાં બૂરવા જરૂરી બની જશે નહીંતર અકસ્માત સહિતની ઘટના બનવાની શક્યતા રહેલી છે. એકંદરે ઉતાવળે ખાડા બૂરવાને કારણે કામમાં ગુણવત્તા જળવાઈ રહે તેવી શક્યતા ઓછી હોવાને કારણે નબળા કામથી ખાડા વધુ પડશે તેવું જાણકારો જણાવી રહ્યા છે.