એક હજારનું ડ્રગ્સ 3 હજારમાં…રાજકોટમાં 3 ગણા ભાવે ડ્રગ્સ વેચતો પેડલર પકડાયો
150 ફૂટ રોડ પરથી પકડી પાડતું એસઓજીઃ સાંજની ટ્રેનમાં બેસી સવારે મુંબઈ પહોંચતો અને ત્યાંથી સાંજની ટ્રેનમાં નીકળી સવારે રાજકોટ આવી જતોઃ ત્રીજી ખેપે દબોચાઈ ગયો
રાજકોટમાં ડ્રગ્સનું દૂષણ ઘર કરી ન જાય તે માટે પોલીસ દ્વારા સપ્લાયરો અને પેડલરો ઉપર બાજનજર રાખી રહી છે આમ છતાં અમુક બંધાણીઓ ડ્રગ્સની હેરાફેરી કરવાનું ટાળતાં ન હોય પકડાઈ રહ્યા છે. આવો જ એક પેડલર કે જે મુંબઈથી એક હજારની કિંમતે ડ્રગ્સ ખરીદી લાવી રાજકોટમાં તેનું ત્રણ હજારમાં વેચાણ કરે તે પહેલાં જ એસઓજીએ પકડી પાડ્યો હતો.
એસઓજી પીઆઈ એન.વી.હરિયાણીના માર્ગદર્શન હેઠળ ટીમે 150 ફૂટ રિંગરોડ, ઉમિયા ચોક બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી ભાવેશ રાજુભાઈ મશરૂ (ઉ.વ.21, રહે.જલજીત સોસાયટી શેરી નં.6)ને 8.26 ગ્રામ ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. ભાવેશની પૂછપરછમાં ખુલ્યું હતું કે તેણે આ ખેપ ત્રીજી વખત મારી હતી. તે મુંબઈના બોરીવલીમાંથી ડ્રગ્સ ખરીદીને રાજકોટ આવી જતો હતો. ત્યાંથી ડ્રગ્સ લાવ્યા બાદ ત્રણ ગણા ભાવે બાંધેલા ગ્રાહકોને વેચી નાખતો હતો.
તે સાંજની મુંબઈ જતી ટ્રેનમાં બેસી જતો અને ત્યાંથી ડ્રગ્સ ખરીદ કર્યા બાદ સાંજની ટ્રેનમાં બીજા દિવસે સવારે રાજકોટ આવી જતો હતો. તે રાજકોટથી રિટર્ન ટિકિટ કરાવીને જ મુંબઈ જતો હોવાનું પણ સામે આવ્યું હતું. ભાવેશ કોઈ જ કામધંધો નહીં કરતો હોવાનું અને પોતે ડ્રગ્સનો બંધાણી છે એટલા માટે પોતાના ખર્ચને પહોંચી વળવા માટે તે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. તેણે અગાઉ બે વખત આ પ્રકારે ખેપ મારી હતી અને ત્રીજી ખેપ માર્યા બાદ પકડાઈ ગયો હતો.