ટ્રમ્પ નીતિ સામે ડ્રેગનનો માસ્ટર સ્ટ્રોક : 1 ઓક્ટોબરથી આપશે સરળ K વિઝા, વૈશ્વિક ટેકનોલોજી રેસમાં USને મ્હાત કરવાની વ્યુહરચના
ડોનાલ્ડ ટ્રમ્પે H 1B વિઝા ફી એક લાખ ડોલર કરી દીધા પછી વૈશ્વિક STEM ( સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને એરિથમેટિક ) પ્રતિભાઓ અમેરિકાથી દૂર ધકેલાઈ જવાની સંભાવનાઓ પ્રબળ બની છે ત્યારે મોકો ઝડપીને ચીને આવી પ્રતિભાઓને આકર્ષવા માટે 1 ઓક્ટોબરથી નવા K વિઝા જારી કરવાની જાહેરાત કરી દીધી છે. વિશ્લેષકો ટ્રમ્પની નીતિને આત્મતઘાતી, અને નવા વિઝા જાહેર કરવાની ચીનની નીતિને માસ્ટર સ્ટ્રોક ગણાવી રહ્યા છે. ચીનને આ નવા અભિગમને કારણે તેને વૈશ્વિક ટેકનોલોજી રેસમાં ખૂબ મોટો ફાયદો થવાની સંભાવના છે.
અમેરિકા પોતાની MAGA (Make America Great Again) નીતિના નામે પ્રતિભાઓને દૂર કરી રહ્યું છે ત્યારે ચીન પોતાના નવા K વિઝા દ્વારા વૈશ્વિક પ્રતિભાઓને આકર્ષવા માટે દરવાજા ખોલી રહ્યું છે. 1 ઓક્ટોબર, 2025થી ચીન પોતાનો K વિઝા રજૂ કરવા જઈ રહ્યું છે, જે વૈશ્વિક STEM પ્રતિભાઓ માટે એક સરળ અને આકર્ષક પાથવે છે. આ વિઝા યોજના અમેરિકાની H-1B વિઝા નીતિની સરખામણીમાં ઘણી સરળ અને સ્થિતિસ્થાપક છે. તેમાં સ્થાનિક સ્પોન્સરશિપની જરૂર નથી, પ્રવેશ પ્રક્રિયા સરળ છે, અને સંશોધન, ઉદ્યમશીલતા તેમજ શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવામાં આવે છે.
આ પણ વાંચો :મનપા ચોપડે રાજકોટવાસીઓ તાજામાજા : ડેંગ્યૂના માત્ર 4 જ દર્દી, મેલેરીયા-ચીકનગુનીયાના પણ માત્ર નોંધવા પૂરતા એક-એક દર્દી
એક તજજ્ઞએ કહ્યું કે ચીનનું આ પગલું માત્ર તકવાદી નથી, પરંતુ નિર્દયી રીતે વ્યૂહાત્મક પણ છે. દાયકાઓથી વૈશ્વિક STEM પ્રતિભાઓનું કેન્દ્ર બની રહેલું અમેરિકા હવે પોતાની સૌથી મૂલ્યવાન સંપત્તિ—પ્રતિભાને—ચીનને ચાંદીની તાસકમાં પીરસી રહ્યું છે. અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓ અને લેબોરેટરીઓમાં નવીનતાઓ લાવનાર ભારતીય ઇજનેરો, વૈજ્ઞાનિકો અને સંશોધકો,
હવે ચીનની ઓફર્સ તરફ આકર્ષાઈ રહ્યા છે.
આ પણ વાંચો :સાવજની ધરતી પર અવકાશના તારલાઓ ચમકશે : દેશના સૌથી વધુ અંધકારમય વિસ્તારમાં આભના રહસ્યો પર થશે રિસર્ચ
ટ્રમ્પની H-1B વિઝા ફીમાં વધારો અને નોકરશાહી અવરોધોની નીતિ અમેરિકાના ટેકનોલોજીકલ નેતૃત્વને જોખમમાં મૂકી રહી છે અને આ એક વ્યૂહાત્મક ભૂલ છે, જે ચીનને વૈશ્વિક ટેક રેસમાં આગળ લઈ જઈ રહી છે. ચીન એક તરફ જ્યારે પ્રતિભાઓને ઉછેરવા અને લાંબા ગાળાની ક્ષમતાઓ બનાવવા પર ધ્યાન આપે છે, ત્યાં અમેરિકા પોતાની પ્રતિભાઓને દૂર ધકેલી રહ્યું છે. આ નીતિનું પરિણામ એ છે કે વૈશ્વિક પ્રતિભાઓ, જે અમેરિકાની નવીનતાનો પાયો હતી, તે હવે ચીનના ખુલ્લા દ્વારો તરફ ખેંચાઈ રહી છે. આ એક આત્મઘાતી ભૂલ છે, જેના દ્વારા અમેરિકા પોતાની ટેકનોલોજીકલ શ્રેષ્ઠતાને ચીનના હાથમાં સોંપી રહ્યું છે. આનું પરિણામ સ્પષ્ટ છે, ચીન ટેકનોલોજીકલ શ્રેષ્ઠતામાં આગળ વધશે, જ્યારે અમેરિકા પોતાના જ નિર્ણયોના કારણે પાછળ રહી જશે. આ એક એવી ભૂલ છે, જેની કિંમત અમેરિકાને લાંબા ગાળે ચૂકવવી પડશે, અને ચીનને વૈશ્વિક ટેકનોલોજી નેતૃત્વની દોડમાં મજબૂત સ્થાન આપશે.
ખંધા ડ્રેગનની વ્યૂહરચના પારખવામાં યુએસ નિષ્ફળ
નિષ્ણાતોના કહેવા મુજબ ચીનની આ વ્યૂહરચના નવી નથી. દાયકાઓથી ચીન અમેરિકામાં તૈયાર થયેલી પ્રતિભાઓનો ઉપયોગ કરી રહ્યું છે. તેનું સૌથી મોટું ઉદાહરણ ચીનનો થાઉઝન્ડ ટેલેન્ટ્સ પ્લાન (TTP) છે આ યોજના હેઠળ, ચીને અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓ અને આઇવી લીગ કોલેજોમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને પોતાને ત્યાં બોલાવ્યા. એ વિદ્યાર્થીઓ પોતાની સાથે જ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાઓ લઈને આવ્યા. આ યોજનાનું પરિણામ આશ્ચર્યજનક હતું. 2010ના દાયકાની શરૂઆત સુધીમાં, ચીને સેમિકન્ડક્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બાયોટેક અને અન્ય મહત્ત્વના ક્ષેત્રોમાં મોટી છલાંગ લગાવી. ચીને અમેરિકાની ટેકનોલોજીઓની નકલ કરી, તેને સ્થાનિક સ્તરે વિસ્તારી અને પોતાની ટેકનોલોજીકલ શ્રેષ્ઠતાનો પાયો નાખ્યો. મહત્વની વાત એ છે કે ચીનની આ ગંભીર વ્યૂહરચનાને પારખવામાં નિષ્ફળ રહું.અમેરિકા ઊંઘતું રહ્યું અને ટેકનોલોજી ક્ષેત્રે ચીન મોટી છલાંગો લગાવતું રહ્યું.
હળવી વિઝા નીતિ વિશ્વને ચીન તરફ આકર્ષવામાં સફળ
બેઇજિંગનું નવીનતમ પગલું તેના આંતરરાષ્ટ્રીય આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે વીઝા નિયમોને સરળ બનાવવાના સતત પ્રયાસોનો ભાગ છે. જુલાઈના અંત સુધીમાં, ચીને 75 દેશો સાથે એકતરફી વીઝા-મુક્ત પ્રવેશ અથવા પરસ્પર વીઝા-મુક્તિના કરારો કર્યા હતા. આ હળવા વીઝા નિયમોને કારણે ચીનમાં આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. બેઇજિંગના રાષ્ટ્રીય ઇમિગ્રેશન વહીવટના ડેટા અનુસાર, 2025ના પ્રથમ છ મહિનામાં વિદેશી નાગરિકોએ ચીનમાં અથવા ત્યાંથી કુલ 38.05 મિલિયન મુસાફરી કરી હતી, જે ગયા વર્ષની સરખામણીએ 30.2 ટકાવધારે છે. આ મુસાફરીઓમાંથી 13.64 મિલિયન વીઝા-મુક્ત પ્રવેશો સામેલ હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 53.9 ટકાનો વધારો દર્શાવે છે.
