ટ્રાફિક વોર્ડન એનું ધાર્યું કરે છે કે પછી ખુદ અધિકારીઓ જ આ સત્તા આપે છે? ગૃહમંત્રીના કીધા બાદ પણ નિયમની ઐસીતૈસી
ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે એ માટે રાજ્યભરમાં શહેર, જિલ્લાઓમાં ટ્રાફિક પોલીસની મદદમાં માનદ વેતન પર ટ્રાફિક વોર્ડન-બ્રિગેડની સેવા લેવામાં આવે છે. વોર્ડન સરકારી કર્મચારી નથી. તેઓને માત્ર ને માત્ર ટ્રાફિક જામ ન થાય, સિગ્નલ સાઇડ, સર્કલ કે માર્ગો પર વાહન ચાલકોને ટ્રાફિક ક્લીયર રહે, કોઇ મુશ્કેલી ન પડે તે માટેનું કામ હોય છે. કોઇપણ વાહન રોકવા, ડોક્યુમેન્ટસ માંગવા, ચેક કરવા કે આવી કોઇપણ સત્તા ટ્રાફિક બ્રિગેડ-વોર્ડનને છે જ નહીં. જે ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી પણ જાહેર કરી ચુક્યા છે. ગૃહવિભાગના પણ આ સંબંધી સ્પષ્ટ આદેશ, સુચનાઓ છે.

રાજકોટ શહેરમાં કદાચ ગૃહમંત્રી કે ગૃહવિભાગની સુચના, આદેશની સીમાઓ વોર્ડનો માટે પુરી થઈ જતી હોય અથવા તો સૂચના કે નિયમોની ઐસીતૈસી ચાલતી હોય તેમ વોર્ડન દ્વારા વાહનો ચેકવાથી લઇ ડોક્યુમેન્ટ માંગવાથી લઇ ચેક કરવા અને ઓનલાઈન ચલણ કે ચલણ બુકમાંથી હાજર શુલ્ક વસુલવાની કામગીરી (નિયમ વિરૂધ્ધ) થતી રહે છે. આવા દ્રશ્યો પોલીસના આઇ.વે. પ્રોજેકટના સી.સી. ટી.વી.માં પણ (જેમ સામાન્ય જનને ઇ-ચલણ મળે) ચેક કરવામાં આવે તો અધિકારીઓને એ.સી. ચેમ્બરમાં બેઠા-બેઠા પણ દેખાઇ શકે. રાજકોટમાં શું ઉપરીઓની જ વોર્ડનોને છુટ હશે કે વોર્ડન-બ્રીગેડ ઉપરીઓ કે ઉચ્ચ અધિકારીઓની સુચનાને ગાંઠતા નહીં હોય? રાજકોટમાં મહત્તમ સર્કલો, માર્ગો પર વોર્ડન-બ્રીગેડ જ વાહનો રોકતા હોય છે અને નિયમ વિરૂધ્ધ કામ કરતા હોય છે.
આ પણ વાંચો : ઉના તાલુકાની ચીખલીની પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર? વિદ્યાર્થીઓના જીવ જોખમમાં
શહેરના રેસકોર્સ રીંગ રોડ પર આવા બે વોર્ડન અચાનક કેમેરામાં કેદ થયા હતાં. જાહેર માર્ગ પર વાહનધારકોને અટકાવીને નિયમ વિરુધ્ધનું કાર્ય કરતા હતા. એક વોર્ડનના હાથમાં તો ટ્રાફિક પોલીસને ફાળવાતું ઓનલાઇન કાર્યવાહીનું મશીન પણ હતું. શું ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ બધી બાબતોથી અજાણ હશે? વોર્ડનોને આવી ખુલ્લી છુટ હશે? કે વોર્ડનો કાબુમાં નથી? જે હોય તે પણ આવા દ્રશ્યોથી જાણકારો, જોનારાઓ એવું કહેતા હશે કે શું રાજકોટમાં ગૃહમંત્રીની સુચના, બોલની કોઈ અસર નથી? કે પોલીસ અધિકારીઓ કડકાઇ બતાવતા હશે છતાં વોર્ડનોને એવું હશે કે વધી વધીને કરશે શું, કાઢી જ મુકશે ને. આપણે ક્યાં કાયમી કે સરકારી કર્મચારી છીએ, થાય ત્યાં સુધી કરી લઇએ. ખરેખર તો વોર્ડન સાથેના પોલીસ કર્મી પર એકસન લેવાય તો વોર્ડન કાબુમાં રહે.