રાજકોટમાં 2 કલાકમાં 60.83 લાખના હિરાની ચોરી, પોલીસે ભર્યા આ પગલાં…
- રાજકોટમાં કોઠારિયા રિંગરોડ પરના હિરાના કારખાનામાં રાત્રે 2 વાગ્યા બાદ આવેલા તસ્કરે ચોરી કરીને વ્હેલી સવારે હાઈ-વેનો માર્ગ પકડી લીધો
- પોલીસ દ્વારા કારખાનામાં કામ કરનારા કર્મચારીઓ ઉપરાંત પૂર્વ કર્મચારીઓ અને કારખાના સાથે સંકળાયેલા વ્યક્તિઓના નામો મેળવી પૂછતાછ આરંભાઈ
- જે રસ્તે ભાગ્યો ત્યાંના સીસીટીવીનો સહારો લેતી પોલીસ
રાજકોટમાં તસ્કરોની રંજાડમાં બેહદ વધારો થઈ ગયો છે. દરરોજ નાની-નાની ચોરીઓ એટલી થઈ રહી છે જેની કદાચ પોલીસ ચોપડે નોંધ નહીં થતી હોય પરંતુ પોલીસ ચોપડે જેની નોંધ થાય છે તેનો ગ્રાફ પણ ઘણો ચિંતાજનક છે. આવી જ એક મોટી ચોરી કોઠારિયા રિંગરોડ પર હિરાના કારખાનામાં થઈ હતી જ્યાં તસ્કરે બે કલાકની અંદર 60.87 લાખના હિરાની ચોરીને અંજામ આપી હાઈ-વે તરફનો માર્ગ પકડી લેતાં તેને ઝડપથી પકડવા માટે ભક્તિનગર પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતને દોડધામ કરી હતી.
કોઠારિયા રિંગરોડ પર પીરવાડીની સામે ધરમનગર સોસાયટી તરીકે ઓળખાતી સોસાયટીમાં ભાડાના શેડમાં ઉપરના માળે છેલ્લા બે મહિનાથી ખોડિયાર ડાયમંડ નામે હિરાનું કારખાનું ચલાવતાં વિપુલ વિરજીભાઈ ગોંડલિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેનું કારખાનું સવારે સાતથી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલે છે. અહીં 44 કારીગરો પોલિશકામ કરે છે જે બધા જ ગુજરાતી છે.

આ કારખાનામાં મહેન્દ્ર ડાયમંડ નામની આંગડિયા પેઢી મારફતે સુરતથી દરરોજ હિરા પાલિશ કરવા માટે કરવા માટે આવે છે અને સાંજે 7ઃ30 વાગ્યે પાલિશ થઈ ગયેલા હિરા સુરત મોકલી દેવામાં આવે છે. સુરત જે હિરા તૈયાર કરી મોકલવામાં આવે તેને ઘસવામાં નાની-મોટી ભૂલ રહી ગઈ હોય તો તે હિરા ફરી રિપેર કરી પરત મોકલવાના હોય છે. દરરોજ કેટલા હિરા આવ્યા અને કેટલા ગયા તેનું કાચું લખાણ વિપુલ એક બુકમાં હાથથી લખે છે.
દરમિયાન 10 એપ્રિલે સવારે સાત વાગ્યે કારખાનું ખોલ્યા બાદ દરરોજની જેમ સી.વી.ઈમ્પેક્ટ નામની પેઢી જે ચંદુભાઈ ડુંગરાણીની પેઢી છે ત્યાંથી આંગડિયામાં કાચા હિરા આવ્યા હતા જેને પાલિશ કામ ચાલું હતું. સાંજે સાત વાગ્યે તમામ કારીગરો કામ પૂરું કરી કારખાનેથી જતા રહ્યા હતા. જ્યારે આઠેક વાગ્યે વિપુલ સહિતના પણ કારખાનું બંધ કરી ઘેર ચાલ્યા ગયા હતા.

શુક્રવારે સવારે છ વાગ્યે વિપુલ કારખાને આવ્યો ત્યારે ઓફિસનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો. આ પછી અંદર જઈને જોતાં લોખંડની તીજોરી પણ તોડી નાખી તેમાં રહેલા 60,63,650ની કિંમતના 11655 હિરાની ચોરી થઈ હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
તસ્કર ડીવીઆર પણ સાથે લઈ ગયો…!
વિપુલે ફરિયાદમાં જણાવ્યું કે તેના કારખાનામાં સીસીટીવી ફિટ કરેલા છે પરંતુ તસ્કરે સૌથી પહેલાં તેનું ડીવીઆર ચોરી કરી લીધું હતું. જ્યારે બાજુના કારખાનાના કેમેરા જોતાં તેમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ મોડીરાત્રે 2ઃ15 વાગ્યે કારખાનામાં ઘૂસે છે અને 4ઃ15 વાગ્યે કારખાનામાંથી બહાર નીકળી રહ્યો છે. બહાર નીકળ્યા બાદ તે હાઈ-વે તરફ જઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે.