દિલ્હીનું રાજકીય હવામાન : તડ-જોડ અને લોભ-લાલચ
ભાજપની મજબુરીનો ભરપુર લાભ ઉઠાવશે સાથી પક્ષો
TDP અને JDUએ વધુ મંત્રાલયની કરી માંગ
એકલ-દોકલ સાંસદને પણ મંત્રીપદની આશા
ગેરવ્યાજબી માંગણીઓ સામે નહી ઝૂકવાની ભાજપની નીતિ
લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગઈ છે અને હવે નવી સરકારની રચનાની તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટા ભાગે ૯મી તારીખે શપથ ગ્રહણ કરશે અને મોટાભાગે તેમની સાથે દોઢ ડઝન જેટલા પ્રધાનો પણ શપથ લેશે. એક તરફ સરકારની રચના અને બીજી તરફ મંત્રી મંડળની રચના તથા ખાતાની વહેચણી અંગેની બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભાજપને જોઈએ તેટલી બેઠક મળી નથી અને એન.ડી.એ. ના સહારા વગર સરકારની રચના કરી શકે તેમ નથી એટલે સાથી પક્ષોએ મોઢુ ફાડયુ છે. અત્યારે દિલ્હીનું રાજકીય વાતાવરણ જોઈએ તો મોટા પાયે તડ-જોડ ચાલી રહી છે અને લોભ-લાલચ પણ જોવા મળી રહ્યા છે.
એનડીએ સરકારમાં નરેન્દ્ર મોદીને જે બે પક્ષોની સૌથી વધુ જરૂર છે તે છે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ચંદ્રબાબુ નાયડુ અને બીજી છે નીતિશ કુમારની જેડીયુ. આ બંને પક્ષોના 28 સાંસદો છે અને એનડીએ સરકારને પાંચ વર્ષ સુધી જાળવી રાખવા માટે તેમનું સમર્થન જરૂરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, એન.ડી.એ.ના બે મોટા સાથીદારો ટીડીપી અને જે.ડી.યુ.એ ભાજપ પાસે મહત્વના મંત્રાલય તથા વધુ બર્થની ડીમાંડ કરી છે. જે.ડી.યુ.એ તો દર ચાર સાંસદે એક મંત્રીપદ આપવાની ફોર્મ્યુલા પણ કહી છે. ટીડીપીએ સ્પીકરપદ પણ માગ્યુ છે અને સાથોસાથ સડક પરિવહન તથા જળ મંત્રાલયની માંગ કરી હોવાની ચર્ચા છે. સાથોસાથ આંધ્ર પ્રદેશ માટે ખાસ દરજ્જો પણ માગ્યો છે.
મોટા સાથી પક્ષો ઉપરાંત એકલ દોકલ સાંસદોએ પણ મંત્રીપદ માગ્યુ હોવાની ચર્ચા થઇ રહી છે. અત્યારે બધાને મંત્રી બનવું છે એટલે ભાજપના નેતૃત્વની મોટામાં મોટી સમસ્યા બધાને રાજી રાખવાની છે.આવી સ્થિતિમાં ભાજપે કેટલાક અપક્ષને પોતાના તરફ ખેંચવાના પ્રયાસો પણ શરુ કરી દીધા છે.
ભાજપના ટોચના સુત્રોએ આજે બપોરે કહ્યું હતું કે, એન.ડી.એ.ના સાથીદારોની જે વ્યાજબી માંગ હશે તે ચોક્કસપણે સ્વીકારવામાં આવશે પરંતુ ગેરવ્યાજબી માંગ નહી સ્વીકારાય. નાણા, ગૃહ, સંરક્ષણ, આરોગ્ય જેવા મહત્વના ખાતાઓ ભાજપ પોતાની પાસે જ રાખશે.
TDPને કેમ સ્પીકરપદ જોઈએ છે ?
ટીડીપીએ નવી સરકારમાં લોકસભાના અધ્યક્ષપદની માંગણી કરી હોવાની ચર્ચા છે. લોકસભા અધ્યક્ષનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે ગૃહમાં બહુમતી સાબિત કરવાની વાત આવે છે અથવા જ્યારે પક્ષપલટા વિરોધી કાયદો લાગુ કરવામાં આવે છે, ત્યારે સ્પીકરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ધારો કે, જો ભવિષ્યમાં NDAનો કોઈ પક્ષ તૂટે છે અથવા તેના કેટલાક સાંસદો પક્ષ બદલે છે, તો તેમની ગેરલાયકાત અંગેનો નિર્ણય સ્પીકર દ્વારા જ લેવામાં આવશે.આ સિવાય જ્યારે પણ ગૃહમાં કોઈ વિવાદ ઊભો થાય છે ત્યારે સ્પીકરનો નિર્ણય અંતિમ હોય છે.
આ પહેલા ટીડીપી વાજપેયી સરકાર દરમિયાન લોકસભાના સ્પીકરનું પદ પણ સંભાળી ચૂકી છે. સ્વર્ગસ્થ ટીડીપી નેતા જીએમસી બાલયોગી અટલ બિહારી વાજપેયી સરકારમાં લોકસભાના સ્પીકર હતા. હવે જ્યારે ટીડીપીએ ફરી એકવાર એનડીએમાં મહત્વની ભૂમિકા ભજવી છે, ત્યારે તેની નજર ફરી સ્પીકરની ખુરશી પર ટકેલી છે.