આસામ મણીપુરમાં મેઘતાંડવ 47 ના મોત: કરોડોનું નુકસાન
નદીઓ ગાંડીતૂર: ઉભા પાક તણાઈ ગયા આસામમાં 2800 ગામડા પાણી હેઠળ
આસામ અને મણિપુરમાં છેલ્લા 48 કલાક દરમિયાન પડેલા ભારે વરસાદ અને પુરને કારણે 48 લોકોના મૃત્યુ થયા હતા. આસામમાં તો સ્થિતિ હતી ગંભીર બની ગઈ હતી જેમાં 46 લોકો મારી ગયા છે. બંને રાજ્યોમાં અનેક ગામડાઓ પાણી હેઠળ આવી જતા સંપર્ક વીહોણા બન્યા છે. હવામાન ખાતાએ હજુ પણ વધુ 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે.
તંત્રના જણાવ્યા મુજબ બંને રાજ્યોમાં નદીઓ કાંઠા તોડી ગામડા અને શહેરોમાં ઘૂસી જતા અતિ ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે આસામમાં બુધવારે પૂરના પાણીમાં તણાઈ જતા એક જ વિસ્તારના આઠ લોકો માર્યા ગયા હતા. તંત્રના જણાવ્યા અનુસાર આસામના 29 જિલ્લાના 19.25 લાખ લોકો ભારે વરસાદ અને પૂર્ણ કારણે અસરગ્રસ્ત બન્યા છે. 105 રેવન્યુ સર્કલ હેઠળના 2800 ગામડા હજુ પણ પાણીમાં ગરક છે. પૂરને કારણે 39451 હેક્ટર જમીનમાં પાકનું ધોવાણ થઈ જતા કરોડોનું નુકસાન થયું છે.
આસામના અસરગ્રસ્ત વિસ્તારોમાં આર્મી, આસામ રાયફલ્સ, પોલીસ અને મણીપુરમાં ફાયર સર્વિસ એનડીઆરએફ અને એસડીઆરએફ ના જવાનો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આસામમાં 3.86 લાખ લોકોને અલગ અલગ 515 રીલીફ કેમ્પમાં આશરો આપવામાં આવ્યો છે.
ભારે પુરને કારણે સેંકડો રસ્તાઓ, 20 કરતાં વધારે પુલ અને હજારો મકાનોને નુકસાન થયું છે. સૌથી મોટી બ્રહ્મપુત્રા નદી અને તેની પેટા નદીઓ ભયજનક સ્તરથી ઉપર વહેવા લાગતાં મોટી જળહનારતનો ભય સર્જાયો છે. એ જ રીતે ઇમ્ફાલ નદી અને કોંગબા નદીમાં પણ ઘોડાપૂર આવતા મણિપુરના પાટનગર ઇન્ફાલના પૂર્વ અને પશ્ચિમના પ્રદેશો પાણી હેઠળ આવી ગયા છે.