સ્માર્ટ મીટર મુદ્દે હવે ઉર્જા વિભાગનું ડેમેજ કંટ્રોલ
લોકોનો રોષ ઠારવા હવે સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવી પ્રચાર કરાશે, જનતાના પ્રતિનિધિ-અધિકારીઓને પોતાના ઘરે મીટર લગાવવા ફરજ પડાશે
રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવી રહેલા વીજળીનાં સ્માર્ટ મીટર સામે લોકોમાં વિરોધ ઉઠતા હવે સરકારે ડેમેજ કંટ્રોલ શરુ કર્યું છે. આજે ઉર્જા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ નિર્ણય અનુસાર, હવે સરકાર હસ્તક આવતી તમામ કચેરીઓમાં પ્રથમ તબક્કે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.
સરકારી કચેરીઓ સ્કૂલ કોલેજ બોર્ડ તમામ કચેરીઓમાં આ મીટર લગાવવામાં આવશે. આ ઉપરાંત રહેણાંક વિસ્તારમાં જ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે ત્યાં જુના બિલની રીડિંગ સરભર કરી અને ત્યારબાદ નવા બિલ આપવામાં આવશે. જનતાના પ્રતિનિધિ અને અધિકારીઓ પણ પોતાના ઘરે મીટર લગાવે તે માટે આચારસંહિતા બાદ કામગીરી કરવામાં આવશે.
સ્માર્ટ મીટર ને લઈને ઉર્જા વિકાસ નિગમના એમડી જયપ્રકાશ શિવહરે માહિતી આપતા જણાવ્યું હતું કે નવા સ્માર્ટ મીટર હવે આગળ કોઈને ત્યાં લગાવવામાં નહીં આવે તેમ જ્યાં સુધી લોકોમાં વિશ્વાસ સંપાદન ના થાય ત્યાં સુધી સ્માર્ટ મીટર લગાવવામાં નહીં આવે તેમજ લોકોનો વિશ્વાસ જીતીને જ તે પ્રોજેક્ટને આગળ વધારીશું તેમ પણ તેઓએ જણાવ્યું હતું. તેમજ તેઓએ જણાવ્યું હતું કે અમારા દ્વારા કોઈપણ જાતની જબરજસ્તી કરવામાં આવતા નથી. હવે અમે સરકારી કચેરીઓની અંદર સ્માર્ટ મીટર લગાવીશું તેની સાથે એક જૂનુ મીટર પણ હશે જેથી કરીને સરકારી કચેરીમાં આવતા તમામ લોકો તેને જોઈ શકે અને તેના રીડિંગ પણ જોઈ શકે તેમજ જે લોકો સ્માર્ટ મીટર લગાવવાની માંગણી કરશે એ લોકોને જ સ્માર્ટ મીટર લગાવી આપવામાં આવશે.
સાથે તેઓએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર એ સંપૂર્ણ રીતે લોકોને ફાયદાકારક છે અને કોઈપણ જાતનું નુકસાન કરતું નથી. કોઈપણ જાતની કમ્પ્લેન આવી હશે તો તુરંત તેઓની ટીમ દ્વારા ત્યાં આગળ જઈને યોગ્ય નિરાકરણ લાવવાનો પણ પ્રયત્ન કરાશે અને સંપૂર્ણ ચકાસણી પણ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, જ્યાં મીટર લાગી ગયા છે તે માગણી કરશે તો ચેક મીટર લગાવામાં આવશે. જે લોકોનું બિલ બાકી હોય તે બિલ એક સાથે આપવામાં આવશે. જૂનું પેન્ડિગ બિલ અને નવું સ્માર્ટ મીટરનું બિલ સાથે કપાવાથી લોકોને લાગતું હતું વધારે બિલ આવે છે. હવે જૂનું પેન્ડિગ બિલ પહેલા ક્લિયર કરીને નવું બિલ આપવામાં આવશે. લોકોને વિશ્વસ થશે ત્યારે જ રહેણાંક વિસ્તારમાં મીટર લગાવામાં આવશે. અત્યારે સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવાની કામગીરી કરવામાં આવશે.