દેશના સૌથી શ્રીમંત મહિલા સાવિત્રી જિંદાલ અપક્ષ તરીકે ચૂંટણી લડશે
પુત્ર નવીન જિંદાલ ભાજપના સાંસદ છે.
ભાજપના કુરુક્ષેત્રના સાંસદ નવીન જિંદાલના 75 વર્ષના માતા સાવિત્રી જિંદાલે શુક્રવારે હિસારની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. નોંધનીય છે કે 29.1 મિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા સાવિત્રી જીંદાલની ગણના ભારતના સૌથી વધુ શ્રીમંત મહિલા તરીકે થાય છે.
કોંગ્રેસી મૂળ ધરાવતો જિંદાલ પરિવાર દાયકાઓથી હરિયાણાના રાજકારણમાં સક્રિય છે. સાવિત્રી દેવીના દિવંગત પતિ ઓમ પ્રકાશ જિંદાલ પણ કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને હરિયાણાના પાવર મિનિસ્ટર તરીકે ફરજો બજાવી હતી.
સાવિત્રી જિંદાલ પ્રથમ વખત 2005માં કોંગ્રેસની ટિકિટ પરથી હિસારની બેઠક પર ચૂંટાયા હતા. 2009 અને 2013 માં પણ તેમણે એ બેઠક જાળવી રાખી હતી અને હુડા મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું હતું.
માર્ચ મહિનામાં તેમણે અને તેમના પુત્ર નવીન જિંદાલે કોંગ્રેસ છોડી હતી. નવીન જિંદાલ બાદમાં કુરુક્ષેત્રની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સંસદની ચૂંટણીમાં વિજય થયા હતા. સાવિત્રી જિંદાલે ત્યારે જોર શોરથી તેમનો પ્રચાર કર્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણી માટે તેમણે હિસારની બેઠક પર ટિકિટ માંગી હતી પરંતુ ભાજપે ત્યાં કમલ ગુપ્તાનું નામ જાહેર કરતા તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા ભાજપ સામે મોટો પડકાર ઊભો થયો છે.