લો બોલો! રાજકોટમાં બંધ મકાનમાં રૂ.29 લાખની ચોરીમાં લાખોના ઘરેણા ઘરમાંથી જ મળ્યા, જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટમાં વર્ષ 2026 ના પ્રથમ દિવસે જ ખોખડ ગામે ખેડૂતના બંધ મકાનમાંથી લાખોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા આજીડેમ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રથમ તો ઘરમાંથી સોના બિસ્કિટ, ચાંદીની ઈંટો, દાગીના, રોકડ અને બાઇક સહિત 29 લાખની માલમત્તા ચોરી થઈ હોવાની વિગતોના આધારે ઘરધણીએ પોલીસને જણાવતા ગુનો નોંધાયો હતો. જો કે તપાસમાં ઘરેણા ભરેલું બેગ ઘરમાંથી મળી આવતા પોલીસે હાશકારો લીધો હતો. બનાવને લઈને પોલીસને તસ્કરનું પગેરું મળતા તેને સકંજામાં લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગની વિગતો મુજબ, ખોખડદડ ગામે શંકર ભગવાનના મંદિર પાસે રહેતા અને ખેતી કરતાં કાંતિભાઇ શિવાભાઇ દેસાઇ (ઉંમર 65) ચોરીના બનાવ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તારીખ 31/12/2025 ના રાત્રે સાડા આઠેક વાગ્યે પોતાના મકાનને તાળા મારી બાજુમાં જ રહેતા પુત્ર મહેશના ઘરે જમવા અને સુવા માટે ગયા હતા. આજે સવારે પાંચ વાગ્યે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે ઘરની ડેલીનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું.

અંદર જઈને તપાસ કરતા ફળીયામાં રાખેલું 90જારની રોકડ અને બાઇક ચોરાયું હતું. (GJ-03-HN-2440) ગાયબ હતું. ઘરમાં જોતા લોખંડની જાળીનો નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો જેથી રૂમમાં જોતા અહીં સમાન વેરવિખેર જોવા મળ્યો હતો. ઘરના કબાટ અને તિજોરીમાં પડેલ સોનાના બે બિસ્કીટ, ચાંદીની 2 કિલોગ્રામની બે ઇંટો રોકડ 90,0000 તેમજ બાઇક સહિત કુલ 29 લાખ રૂપિયાની ચોરી થઈ હોવા અંગે આજીડેમ પોલીસને જણાવતા ગુનો નોંધાયો હતો ઘટનાની જાણ થતા જ આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. જાડેજા, ક્રાઈમ બ્રાન્ચ તેમજ એલસીબી ઝોન 1 સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

તપાસમાં આ ચોરીની ઘટના રાત્રિના 2ઃ00 થી 2ઃ30 વાગ્યાની વચ્ચે બની હોવાનું અનુમાન છે. પોલીસને શંકા છે કે આમાં દાહોદ-ગોધરા બાજુની રીઢા તસ્કરોની ગેંગ સામેલ હોઈ શકે છે. જો કે ઘરધણીએ ઘરમાં વ્યવસ્થિત તપાસ કરતા સોનાના બિસ્કિટ, ચાંદીની ઇંટ તેમજ દાગીના ભરેલું પર્સ ઘરમાંથી જ મળી આવતાં પોલીસે હાશકારો લીધો હતો. જે બાદ બાઈક અને રોકડ 90 હજારની જ ચોરી થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તસ્કરનું પગેરું મેળવી તેને સકંજામાં લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
