- શનિવારે તડકો તપતા મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો
રાજકોટ : હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વાદળિયું વાતાવરણ છવાઈ જતા લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી જતા ટાઢોડું યથાવત રહ્યું હતું. જો કે, શનિવારે દિવસ દરમ્યાન વાતાવરણ સ્વચ્છ બનતા મહત્તમ તાપમાન ઉંચુ જતા ઠંડીનો પ્રભાવ થોડો ઘટ્યો હતો. શનિવારે નલિયામાં 4.2 ડિગ્રી અને રાજકોટમાં 9.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
માવઠાના કારણે રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે, હવામાન વિભાગના આંકડા મુજબ મોટાભાગના જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારો છ ડિગ્રી જેટલો નીચે ઉતરી જતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. કચ્છના નલિયામાં શુક્રવારની તુલનાએ શનિવારે એક જ દિવસમાં તાપમાન છ ડિગ્રી નીચે ઉતરી જતા લઘુતમ તાપમાન 4.2 ડિગ્રી નોંધાયું હતું. એ જ રીતે પોરબંદરમાં લઘુતમ તાપમાન પાંચ ડિગ્રી નીચે ઉતરી 11.4 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં ચાર ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 9.9 ડિગ્રી નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ શનિવારે રાજ્યમાં ક્યાંય પણ કમોસમી વરસાદ નોંધાયો ન હોવાના સમાચારો મળી રહ્યા છે. બીજી તરફ શનિવારે ભુજમાં 9.8, ભાવનગરમાં 15.7, દ્વારકામાં 14.6, વેરાવળમાં 15, અમદાવાદમાં 16.5, ડીસામાં 13.8, ગાંધીનગરમાં 16, વડોદરામાં17.6, જૂનાગઢમાં 15.5,અને સુરતમાં 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.