જસ્ટિસ વર્માના ફોનની છેલ્લા છ મહિનાની કોલ ડિટેલ કઢાવવા ચીફ જસ્ટિસનો આદેશ
ન્યાયતંત્રને ધ્રુજાવી દેનાર બનાવવામાં તપાસનો ધમધમાટ
મોબાઈલમાંથી કોઈ પણ ડેટા ડિલીટ ન કરવા સૂચના
દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના ઘરે લાગેલી આગ દરમિયાન ચલણી નોટોના બંડલ મળી આવવાની ઘટનાએ ન્યાયતંત્ર અને કાનુની વર્તુળને ધ્રુજાવી દીધા છે. એ ઘટનાની દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાયે કરેલી તપાસમાં ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હોવાનું સ્પષ્ટ થયા બાદ એ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે ચીફ જસ્ટિસે વિવિધ હાઇકોર્ટના ત્રણ ઉચ્ચ ન્યાયાધીશોની બનેલી સમિતિની નિમણૂક કરી છે. એ દરમિયાન જસ્ટિસ યશવંત શર્મ ને તેમના સત્તાવાર કે અન્ય કોઈપણ મોબાઇલ ફોનના ફોટા, મેસેજ કે અન્ય કોઈ ડેટા ડીલીટ ન કરવા કે તેમાં કંઈ સુધારા વધારા ન કરવાની સૂચના આપવામાં આવી છે.
દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરફથી રિપોર્ટ મળ્યા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્નાએ છેલ્લા છ મહિના દરમિયાન ફરજ બજાવનાર જસ્ટિસ વર્માના અંગત સચિવ કમ રજિસ્ટ્રાર, પર્સનલ સિક્યુરિટી ઓફિસર, અને સુરક્ષા કર્મચારીઓની યાદી બનાવવાનો આદેશ આપ્યો હતો.સાથે જ જસ્ટિસ વર્મા તેમના સત્તાવાર કે અન્ય કોઈ મોબાઇલ ફોનમાંથી કોઈ ડેટા ડીલીટ ન કરે તેવી સૂચના આપી હતી.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ત્રણ મુદે જસ્ટિસ વર્માનો ખુલાસો માંગ્યો
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાયને ત્રણ મુદે જસ્ટિસ વર્માનો જવાબ માંગવા જણાવ્યું હતું.
(1) તેમના નિવાસ્થાનના રૂમમાંથી મળેલા નાણા/રોકડ નો હિસાબ
( 2 )એ નાણાનો સ્ત્રોત શું હતો ?
(3 ) બીજા દિવસે કાટમાળ અને બળેલી વસ્તુ
દૂર કરનાર વ્યક્તિ કોણ હતી ?
દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસે આપેલું તારણ
પોલીસ કમિશનરે મોકલેલા વીડિયોમાં ચલણી નોટો નજરે પડે છે
આગ લાગી તે રૂમમાં બંગલામાં રહેતા લોકો સિવાય કોઈ પ્રવેશી શકે તે સંભવિત નથી
સ્ટોર રૂમ ની સુરક્ષા માટે સીઆરપીએફ ફરજ બજાવતી હતી અને એ રૂમને તાળું મારવામાં આવે છે
15 મી તારીખે સવારે રૂમમાંથી કાટમાળ અને અર્ધ બળેલી વસ્તુઓ દૂર કરવામાં આવી હતી
સમગ્ર ઘટના ઊંડી તપાસ માંગી લે છે.
વર્માના બચાવ અને તપાસ રિપોર્ટમાં ભારે વિરોધાભાસ
જસ્ટિસ યશવંત વર્માએ જ્યાં આગ લાગી હતી એ સ્ટોર રૂમ તેમના નિવાસ્થાનનો ભાગ ન હોવાનું અને ત્યાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશી શકે એ સંભવિત હોવાનો
ખુલાસો કર્યો હતો જ્યારે હાઇકોર્ટના ચીફ જસ્ટિસે એ રૂમ બંગલાનો ભાગ જ હોવાનું તેમજ ત્યાં તાળું મારવામા આવતું હોવાનો રિપોર્ટ આપ્યો છે.