જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1.83 કરોડમાં જમીન વેચનાર ભરત કુગશિયા પાસેથી પૈસા લેવાના હોય જમીન લેનારને ધમકાવ્યો
વોઈસ ઓફ ડે, રાજકોટ
રાજકોટમાં મારામારી, છેતરપિંડી, ચોરી, ધમકી સહિતના ગુના રોજિંદા બની ગયા હોય તેવી રીતે દરરોજ પોલીસ ચોપડે તેની નોંધ ન થાય તો જ નવાઈ પામવા જેવું રહે છે. આવી જ એક ધમકી 1.83 કરોડમાં જમીન ખરીદનાર વેપારીને મળતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે રાજકોટ જિલ્લાના ભાયાસર ગામે રહેતા અને રેતી-કપચીનો વ્યવસાય કરતાં નાગદાન નારણભાઈ હુંબલે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેણે રામપરા (ચિત્રા) ગામે આવેલી ભરત વાઘજીભાઈ કુગશિયાની જમીન 1.83 કરોડ રૂપિયામાં ખરીદ કરી હતી જેનું સાટાખત 1-2-2025ના કર્યું હતું. જમીન ખરીદનાર તરીકે ફરિયાદીના પિતા નારણભાઈ હુંબલ અને વેચનાર તરીકે ભરત વાઘજીભાઈ કુગશિયા હતા. આ જમીનની ખરીદી પેટે રૂા.20 લાખનું ટોકન પણ ભરત કુગશિયાને આપ્યું હતું અને બાકીની રકમ સાત મહિનામાં ચૂકવવાનો વાયદો થયો હતો.
આ જમીન ખરીદ કર્યા બાદ નાગદાનને તેના સંબંધી ઘનશ્યામ પ્રભાતભાઈ જળુએ ફોન કરી કહ્યું હતું કે તેને ભરત કુગશિયા પાસેથી પૈસા લેવાના છે એટલા માટે આ જમીનની ખરીદી કરતા નહીં અને જમીનમાં પગ પણ મુકતા નથી આથી નાગદાને ઘનશ્યામને કહ્યું હતું કે તમારે ભરત સાથે જે વાંધો હોય તે તેની સાથે સમજો. જો કે ઘનશ્યામ માની જ રહ્યો ન હોય 26 માર્ચે ફરી નાગદાનને ફોન કરી બેફામ ગાળો ભાંડી હતી સાથે સાથે જમીનનો સોદો રદ્દ કરી નાખજે નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.