ખૂન કા બદલા ખૂન: આઠ મહિના પૂર્વે થયેલી હત્યાનો બદલો લેતા ભાઈ-બહેન બન્નેએ યુવાન પુત્ર ગુમાવ્યા
પડધરીના ઢોકળીયા ગામે આઠેક મહિના પૂર્વે થયેલી ભાઈની હત્યાનો બદલો લેવા સગા મામાના દીકરાનું અપહરણ કરી રૈયા ગામ પાસે પરશુરામ મંદિર નજીક છરી-ધોકા ઝીં કી દઈ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર ફેંકી દેતા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવારમાં જ ગઈકાલે યુવકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. ખૂન કા બદલા ખૂન જેવી ઘટનામાં ભાઈ-બહેન બન્નેએ તેમના પુત્ર ગુમાવ્યા છે.
મળતી માહિતી મુજબ, રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતા 19 વર્ષીય શિવરાજ ગોવિદભાઈ મુછડિયા નામનો યુવક ગત મંગળવારે રાત્રિના 9 વાગ્યા આસપાસ મેટોડા જીઆઈડીસીમાં ગેટ નં.1 પાસે હતો ત્યારે કારમાં આવેલ યુવકનો ફઈનો છોકરો ખુશાલ મેરિયા, રાહુલ મેરિયા અને તેનો મિત્ર કિરીટ ઉર્ફે તીરથ રાખસીયા આવેલ અને યુવકને બળજબરી પૂર્વક કારમાં બેસાડી રૈયા ગામ નજીક પરશુરામ મંદિર પાસે લઈ ગયા હતા. અહીં શિવરાજના ફુવા એટલે કે હમીર મેરિયા અને તેના પુત્રોએ યુવકને છરી-ધોકાના ઘા ઝીંકી તેને મારવા માટે રોડ પર ફેકી દીધો હતો. જે બાદ રાહદારીઓએ 108 મારફતે શિવરાજને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં યુવકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે.
ઘટના અંગે મેટોડા પોલીસે શિવરાજના મોટા બાપુ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ પ્રેમજીભાઈ મુછડીયાની ફરિયાદના આધારે આરોપી બનેવી હમીર મનજી મેરીયા, ભાણેજ દીકરા ખુશાલ હમીર મેરીયા, રાહુલ હમીર મેરીયા (રહે. ત્રણેય, પરશુરામ મંદિર સામે, ન્યુ 150 ફૂટ રિંગ રોડ) અને રોહિત કિરીટ ઉર્ફે તીરથ રાખસીયા (રહે. મેટોડા) સામે ગુન્હો નોંધાવ્યો હતો. જે મુજબ આઠ માસ પૂર્વે ફરિયાદીના ભાઈ ગોવિદે અને તેમના ભાભી કંચનબેને પુત્રી સાથે લગ્ન કરવાનું કહી દારૂ પી ઘરે ધમાલ મચાવતા ભાણેજ જયદીપ મરિયાને માર માર્યો હોય જેમાં તેનું મોત નીપજ્યું હતું. જેથી પુત્રના મોતનો બદલો લેવા શિવરાજની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ભાણેજની હત્યામાં મામા-મામી બન્ને જેલમાં છે અને બહાર તેમના પુત્રનું બનેવી અને ભાણેજે ખૂન કરી નાખી બદલો વાળ્યો હતો.
વધુમાં મૃતક શિવરાજ ત્રણ બહેનમાં એકનો એક ભાઈ હતો. તેના માતા-પિતા હાલ પોપટપરા જેલમાં છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર જપ્ત કરવા માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.