હરિયાણામાં ભાજપને આંચકો…વાંચો શું થયું…
પૂર્વ કેન્દ્રીય મંત્રી બીરેન્દ્ર સિંઘ સજોડે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ ગયા
હરિયાણાના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બીરેન્દ્ર સિંઘ તથા તેમના પત્ની પૂર્વ ધારાસભ્ય પ્રેમલત્તા સિંધે મંગળવારે ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાઈ જવાની જાહેરાત કરી હતી. આ અગાઉ એક મહિના પહેલા તેમના પુત્ર બિજેન્દ્ર સિંઘ પણ ભગવો ઉતારીને કોંગ્રેસમાં ભળી ગયા હતા.
હરિયાણામાં પાંચ દાયકાની રાજકીય કારકિર્દી ધરાવતા બીજેન્દ્ર સિંઘ 40 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ દસ વર્ષ પહેલાં ભાજપમાં જોડાયા હતા. 2014માં મોદીના પ્રથમ પ્રધાનમંડળ માં તેમણે મહત્વના ખાતાઓનું મંત્રી પદ સંભાળ્યું હતું. કિસાન આંદોલન સમયે તેમણે પક્ષના વલણની વિરુદ્ધ જઈ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.
હરિયાણામાં જનનાયક જનતા પાર્ટી સાથેના ભાજપના ગઠબંધનનો પણ તેમણે વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે બીરેન્દ્ર સિંઘના દાદા છોટુરામ ‘ ખેડૂતોના મસીહા ‘ ગણાતા હતા. લોકસભાની ચૂંટણી પહેલા જ તેમણે સહકુટુંબ ભાજપમાંથી આપેલા રાજીનામાને કારણે ભાજપની કિસાન વોટ બેન્ક ને વિપરીત અસર થવાની સંભાવના છે.