ભાજપે રાહુલ ગાંધીને ગણાવ્યા રાવણ, પોસ્ટર કર્યું શેર
ભાજપે ગુરુવારે પોતાના સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની તસવીર પોસ્ટ કરી અને તેમને નવા યુગના રાવણ કહ્યા છે. પાર્ટીએ લખ્યું- નવા યુગના રાવણ અહીં છે. તેઓ દુષ્ટ છે, ધર્મ અને રામના વિરોધી છે. તેમનું એકમાત્ર લક્ષ્ય દેશને બરબાદ કરવાનું છે.
ભાજપ દ્વારા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેર કરાયેલા પોસ્ટરમાં રાહુલનાં 7 માથાં જોવા મળે છે. એના પર લખેલું છે- ભારત પર જોખમ છે. તસવીરની નીચે મોટા અક્ષરોમાં રાવણ લખેલું છે. એની નીચે અંગ્રેજીમાં A CONGRESS PARTY PRODUCTION DIRECTED BY GEORGE SOROS લખેલું છે.
ભાજપે રાહુલને સોરોસ સાથે કેમ જોડ્યા?
ભાજપે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’માં જ્યોર્જ સોરોસના લોકોએ ભાગ લીધો હતો. આ સિવાય ભાજપના નેતાઓએ ‘ઓપન સોસાયટી ફાઉન્ડેશન’ નામની બિન-સરકારી સંસ્થા (NGO)નું નામ લીધું છે. ભાજપના નેતાઓ દાવો કરે છે કે આ એનજીઓ જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને એના ઉપપ્રમુખ સલીલ શેટ્ટીએ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’માં ભાગ લીધો હતો.
17 ફેબ્રુઆરીએ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં સલીલ શેટ્ટી ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોવા મળી રહ્યા છે. આ સિવાય બીજેપીના અન્ય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ એ જ તારીખે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં પ્રવીણ ચક્રવર્તીનું નામ હતું. ચક્રવર્તીને પણ મોદીવિરોધી માનવામાં આવે છે.
સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર કયા આરોપ લગાવ્યા?
28 જૂને સ્મૃતિ ઈરાનીએ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. સ્મૃતિએ કહ્યું- રાહુલ ગાંધી તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જ સોરોસના નજીકના લોકોને મળ્યા હતા. તેમણે તેમની મુલાકાત દરમિયાન ભારતીય પ્રવાસીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં ઉત્તર અમેરિકાના ઈસ્લામિક સર્કલના તનઝીમ અન્સારીની સંડોવણી બદલ ગાંધી પર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે અન્સારીના જમાત-એ-ઈસ્લામી સાથે સંબંધો હતા.
જ્યોર્જ સોરોસે કહ્યું હતું- મોદી લોકતાંત્રિક નથી
જ્યોર્જ સોરોસ અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ છે. સોરોસે 8 મહિના પહેલાં મ્યુનિખ સુરક્ષા પરિષદમાં કહ્યું હતું કે ભારત એક લોકતાંત્રિક દેશ છે, પરંતુ વડાપ્રધાન મોદી લોકતાંત્રિક નથી. તેમનું ઝડપથી મોટા નેતા બનવાનું મુખ્ય કારણ મુસ્લિમો પર કરવામાં આવેલી હિંસા છે.
સોરોસે પીએમ મોદીને નાગરિકતા સંશોધન કાયદા એટલે કે ભારતમાં CAA અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર પણ નિશાન સાધ્યું હતું. સોરોસે બંને બાબતે કહ્યું હતું કે ભારત હિંદુ રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. બંને બાબત અંગે તેમનાં નિવેદનો ખૂબ જ કઠોર હતાં અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા.