ભાજપ અને શિવસેનાના નેતાઓ રાહુલ ગાંધીને હત્યા અને હુમલાની ધમકી આપે છે
કેન્દ્રીય મંત્રી સહિત ચાર નેતાઓ સામે કોંગ્રેસે ફરિયાદ નોંધાવી
ભાજપ અને એનડીએના નેતાઓ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મારી નાખવાની તેમ જ તેમના પર હુમલો કરવાની ખુલ્લી ધમકી આપતા હોવાની ફરિયાદ કોંગ્રેસના ખજાનચી અજય માકેને નોંધાવી હતી.
દિલ્હીના તુઘલખ રોડ પોલીસ સ્ટેશનમાં કેન્દ્રીય મંત્રી રવનીત સિંઘ બીટ્ટુ,ઉતર પ્રદેશના મંત્રી રઘુરાજ સિંઘ,ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય તરવિંદર સિંઘ મારવાહ અને શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ સામે નોંધાવેલી ફરિયાદમાં આ નેતાઓએ કરેલા ઉચ્ચારણો તેમ જ તેમણે આપેલી ધમકીઓ વર્ણવવામાં આવી છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સરકારની નિષ્ફળતાઓ તેમ જ હંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની વ્યથા ને વાચા આપતા રોકવા માટે આવી ધમકીઓ આપવામાં આવતી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
રાહુલ ગાંધીને નંબર વન આતંકવાદી ગણાવી તેમની સામે સમાજમાં નફરત અને વૈમનસ્ય સર્જવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.અજય માકેને આ તમામ નેતાઓ સામે ધમકી આપવી,જાહેર શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ,અપમાન તેમ જ સામાજિક વૈમનસ્ય સર્જવા બદલ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 351,352 અને 353 હેઠળ ફરિયાદ નોંધાવી સત્વરે પગલાં લેવા પોલીસને અનુરોધ કર્યો હતો.નોંધનીય છે કે આ અગાઉ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ વડાપ્રધાન મોદીને પત્ર લખીને ભાજપના નેતાઓને મર્યાદામાં રાખવા વિનંતી કરી હતી.
શું બોલ્યા હતા આ નેત્તાઓ?
કેન્દ્રીય મંત્રી બીટ્ટુ અને ઉતર પ્રદેશના પ્રધાન રઘૂરાજ સિંઘે રાહુલ ગાંધીને નંબર વન આતંકવાદી ગણાવ્યા હતા.ભાજપના પૂર્વ ધારાસભ્ય મારવાહ એ રાહુલ ગાંધીના હાલ પણ તેમની દાદી ઇન્દિરા ગાંધી જેવા થશે તેવી ધમકી આપી હતી તો શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપી નાખનાર ને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
હિંદુ નેતાએ પણ કેન્દ્રીય મંત્રી સામે કેસ નોંધાવ્યો!
રાહુલ ગાંધી વિશે તાજેતરમાં કરવામાં આવેલા ઉચ્ચારણો બેક ફાયર થઈ રહ્યા હોવાનું ભાજપના જ અનેક નેતાઓ માને છે.રાહુલ ગાંધીને નંબર વન આતંકવાદી કહેવાથી ઉલટાની તેમને પ્રજાની સહાનુભૂતિ મળશે તેવું એક વર્ગ માને છે.ત્યાં સુધી કે કટરવાદી હિન્દુ સંગઠનો પણ એવા આક્ષેપ સાથે સહમત નથી. રાહુલ ગાંધીને આતંકવાદી કહેવા બદલ બુધવારે હિન્દુ સેનાના પ્રમુખ સુરજીત યાદવે કેન્દ્રીય મંત્રી બીટ્ટુ સામે દિલ્હી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી.બીટ્ટુ ના આ ઉચ્ચારણોને કારણે સમાજમાં ઘર્ષણ ફેલાવવાનો તેમ જ અશાંતિ સર્જાવાનો ભય તેમણે વ્યક્ત કર્યો હતો.