પાકિસ્તાનમાં વધુ એક આતંકી હુમલો : બલુચિસ્તાનમાં રેલવે સ્ટેશનમાં ભયંકર વિસ્ફોટમાં 14 સૈનિકો સહિત 25નાં મોત
પાકિસ્તાનમાં બલુચિસ્તાનના પાટનગર કવેટાના રેલવે સ્ટેશનમાં શનિવારે સવારે થયેલા આતંકી હુમલામાં 14 સૈનિકો સહિત ઓછામાં ઓછા 25 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે અન્ય 46 ને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ આંક હજુ પણ વધવાની આશંકા દર્શાવવામાં આવી છે. આ હુમલા ની જવાબદારી બલોચ લીબરેશન આર્મી એ સ્વીકારી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર કવેટા રેલવે સ્ટેશન ઉપર
પેશાવર એક્સપ્રેસ ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી અને પ્લેટફોર્મ ઉપર સૈનિકો અને સેંકડો લોકોની હાજરી હતી ત્યારે જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે પ્લેટફોર્મની છત પણ તૂટી પડી હતી અને સમગ્ર કવેટા શહેર ધણધણી ઉઠ્યું હતું. પ્લેટફોર્મ ઉપર ઉપસ્થિત હતભાગી લોકોના શરીરના ફૂરચેફુરચા ઉડી ગયા હતા.બનાવને પગલે ક્વેટાની હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પોલીસે આ બનાવને આત્મઘાતી હુમલો ગણાવ્યો હતો.
નોંધનીય છે કે બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવા માટે મેદાને પડેલ બલોચ લીબરેશન આર્મી દ્વારા પાકિસ્તાન અને ચીનના નાગરિકો તેમજ પાકિસ્તાનના સૈનિકો ઉપર આતંકી હુમલાનું પ્રમાણ વધ્યું છે. વર્ષ 2023માં પાકિસ્તાનમાં 650 આતંકવાદી હુમલા થયા તેમાંથી 23 ટકા હુમલા બલુચિસ્તાનમાં થયા હતા. 24મી ઓગસ્ટે આ સંગઠને કરેલા ફિદાહીન હુમલામાં પાકિસ્તાનના 130 સૈનિકો માર્યા ગયા હતા.