રાજકોટમાં વધુ એક સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે આપનાર ધંધાર્થી છેતરાયો !
હાલમાં સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે આપવાનો ધંધો ખૂબ વધ્યો છે. લોકો પોતાની કાર ભાડે આપી હજારો રૂપિયા કમાવાની લાલચમાં છેતરપિંડીનો પણ ભોગ બની રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો શહેરમાં સામે આવ્યો છે. એક દિવસનું કહી 9 લાખની કાર ભાડે લઈ જનારા શખસે 15 દિવસ બાદ પણ કાર પરત ન કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો : મોરબીના શક્તિ ચોકમાં ગૌરક્ષકોની ટીમ પર 200થી વધુના ટોળાએ કર્યો હુમલો : પોલીસ સામે હોબાળો, જાણો શું છે સમગ્ર મામલો
વિગતો મુજબ, વાવડી નજીક 80 ફૂટ રોડ પર આવેલ સગુન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા 24 વર્ષીય જય કિશોરભાઈ સાવલિયા નામના યુવકે ફરિયાદ નોંધાવતા જણાવાયું હતું કે, પોતે ગેરેજની સાથે સત્યમ રેન્ટવાલા નામની સેલ્ફ-ડ્રાઇવ કાર રેન્ટલ ઓફિસના ભાગીદાર છે. તેઓએ એક મહિના અગાઉ મારૂતિ સુઝુકી બલેનો કાર ખરીદી હતી. ભાગીદાર ધ્રુમિલ રમેશભાઈ ખુંટ દ્વારા હર્ષ વાઘેલા નામના શખસને આ કાર 13 જૂનના 24 કલાક માટે રૂ. 3,000ના ભાડે આપી હતી. બે દિવસ બાદ પણ કાર પરત ન આવતા તેણે ભાગીદાર ધ્રુમિલે હર્ષનો સંપર્ક કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. હર્ષે 15 જૂનના રોજ પણ કાર પરત ન કરી અને ત્યારબાદ આજ દિવસ સુધી કોઈ સંપર્ક ન થતાં ઘટના અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.