કાશ્મીરમાં સક્રિય આતંકી સંગઠન ‘ કાશ્મીર ફાઈટ’ની પોતાના સાથીઓને સુચના
હમાસની જેમ હુમલા કરો, વડાપ્રધાન અને ગૃહમંત્રીને ટાર્ગેટ કરો
આતંકવાદી સંગઠન ‘ કાશ્મીર ફાઈટ’નો એક ધમકીભર્યો પત્ર સામે આવ્યો છે જેમાં પોતાના સભ્યોને એવું આહ્વાન કરવામાં આવ્યું છે કે, હમાસે જે રીતે ઇઝરાયલ ઉપર હુમલો કર્યો છે તે રીતે આપણે કાશ્મીરમાં હુમલા કરવા પડશે. આ સંગઠને પ્રવાસીઓ, પરપ્રાંતિઓ અને સેનાના જવાનો ઉપર હુમલા કરવા કહ્યું છે સાથોસાથ વડાપ્રધાન અને ગૃહમંત્રીને પણ ટાર્ગેટ કરવા જણાવ્યું છે.
કાશ્મીર ફાઈટે જુદા જુદા મહાનુભાવોને ટાર્ગેટ કરવા આતંકીઓને કહ્યું છે. આ પત્રમાં લખ્યા અનુસાર, ગાઝામાં થઇ રહેલો નરસંહાર યુનો, માનવાધિકાર સંગઠનો અને અન્ય દેશો પાસે આશા રાખીને બેસનારા બધા માટે આંખ ખોલનારો છે.
આ પત્રમાં એમ પણ જણાવાયું છે કે, હવે સશસ્ત્ર લડાકુઓ પોતાની નીતિ બદલે અને દેશના મોટા મોટા હાઈ પ્રોફાઈલ ટાર્ગેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે. એવી જગ્યાએ હુમલા કરો કે જ્યાં સૌથી વધુ પીડા થાય.
આ પત્ર અનુસાર, આતંકીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ હાઈપ્રોફાઈલ વ્યક્તિઓ કે જેનો સંબંધ કાશ્મીર સાથે હોય તેમને ટાર્ગેટ કરે, , કેન્દ્રની સંસ્થાઓ, સુરક્ષા એજન્સીઓની ઓફીસ, પ્રવાસીઓ, કાશ્મીરના ન હોય તેવા પ્રવાસીઓને પણ ટાર્ગેટ કરે. આ સિવાય મોટું વિચારો અને તમારી બંધુક વડાપ્રધાન તસ્થા કબજાવાળા શાસનના ગૃહમંત્રી માટે તૈયાર રાખો. વધુમાં દરેક હુમલા વખતે આ હુમલો શા માટે કર્યો તે ચોખ્ખું કહો.
આતંકીઓની આ ધમકી પછી સુરક્ષાદળો વધુ સતર્ક થઇ ગયા છે અને ચેકિંગ વધારી દીધું છે.
