‘આપ’ના મહિલા મંત્રી આતિષીનો આક્ષેપ…જુઓ શું કહ્યું..
ભાજપમાં ન જોડાઇએ તો અમને જેલમાં ધકેલી દેવાનીધમકી મળે છે
વધુ ચાર નેતાઓની ધરપકડ થવાની ભીતિ વ્યક્ત કરી
આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી આતિષી એ તેમને ભાજપમાં જોડાઈ જવા અને નહિતર ધરપકડ માટે તૈયાર રહેવાની ભાજપ તરફથી ધમકી મળી હોવાનો આક્ષેપ કર્યો હતો અને એક મહિનામાં જ તેમના નિવાસ્થાનો પર દરોડા પડવાની તથા તેમના સહિત વધુ ચાર નેતાઓની ઇડી દ્વારા ધરપકડ થવાની ભીતી વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે સોમવારે અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી તિહાર જેલમાં મોકલવાનો હુકમ કર્યો તે પછી આતિષીએ એક ચોકાવનારો ખુલાસો કરવાની જાહેરાત કરી હતી. તે અનુસંધાને મંગળવારે તેમણે જણાવ્યું કે તેમના એક નજીકના સાથીનો ભાજપના એક નેતાએ સંપર્ક કરી ઉપરોક્ત ધમકી આપી હતી. વડાપ્રધાન મોદી અને ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને ખતમ કરી દેવામાં આવશે એવી ધમકી પણ એ નેતાએ આપી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
તેમણે કહ્યું કે સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા, સંજય સિંઘ અને અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ ભાજપ હવે આમ આદમી પાર્ટીની આખી નેતાગીરીને ખતમ કરી દેવા માંગે છે. તેમણે આવતા એક મહિનામાં જ પોતાના ઉપરાંત દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ, સાંસદ રાઘવ ચઢા તથા ધારાસભ્ય દુર્ગેશ પાઠકની ધરપકડ કરવામાં આવશે તેવી દહેશત દર્શાવી હતી. તેમણે કહ્યું કે ભાજપ ગમે તે કરે અમે ઝૂકવાના નથી. અમે કેજરીવાલ અને શહીદ ભગતસિંહના અનુયાયી છીએ, અમને ધરાવી શકાશે નહીં.
નામ જાહેર કરવા આતિષી ને ભાજપ નો પડકાર
આતિષી ના આક્ષેપો બાદ દિલ્હી ભાજપના સેક્રેટરી હરીશ ખુરાનાએ કહ્યું કે આમ આદમી પાર્ટી દરરોજ નવા જુઠાણા ફેલાવે છે. તેમણે આતિષીને તેમનો કથિત રીતે સંપર્ક કરનાર ભાજપના નેતાનું નામ જાહેર કરવા અનુરોધ કર્યો હતો અને નહિતર આ ખોટા આક્ષેપો બદલ પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી હતી.