કર્ણાટકમાં બનતું નંદીની ઘી બંધ કર્યા બાદ લાડુની બનાવટમાં ભેળસેળ થઈ
- તિરુપતિ લાડુ પ્રસાદમમાં પ્રાણીજ ચરબીની ભેળસેળ ખુલતા કરોડો હિન્દુ ભાવિકો સ્તબ્ધ
- નાયડુ સરકારે ફરીથી નંદિની ઘી ની ખરીદી ચાલુ કરી
આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડીના શાસનકાળ દરમિયાન તિરુમાલા મંદિરના પ્રસાદ ના લાડુમાં પ્રાણીજ ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઘટસ્ફોટ કરતં હિન્દુ સમાજ સ્તબ્ધ બની ગયો છે. કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. ચંદ્રાબાબુ નાયડુએ પોતાના આક્ષેપના સમર્થનમાં ગુજરાતની એક લેબોરેટરીનો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો જેમાં લાડુની બનાવટમાં બીફ, ફિશ ઓઇલ અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ઘટના ને પગલે જગન મોહન રેડી અને વાયએસઆર કોંગ્રેસ સામે લોકોનો રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે આ આખી ઘટના જગન સરકાર દ્વારા ઘી સપ્લાય કરતી કંપની બદલાવી નાખવાના કારણે બની હોવાનું ખુલ્યું છે.
તિરુપતિ મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આ બોર્ડ દ્વારા લાડુ બનાવવા માટે દર છ મહિને ઘીની ખરીદીના ટેન્ડર બહાર પાડવામાં આવે છે. બોર્ડ દ્વારા દર વર્ષે પાંચ લાખ કિલો ઘીની ખરીદી કરવામાં આવતી હતી.
છેલ્લા 15 વર્ષથી પ્રસાદના લાડુ માટે કર્ણાટક મિલ્ક ફેડરેશન દ્વારા નંદિની બ્રાન્ડ ઘી સપ્લાય કરવામાં આવતું હતું. દરમિયાન ગત વર્ષે કર્ણાટક સરકારે કર્ણાટક મિલ્ક ફેડરેશનના દૂધમાં લીટરે ત્રણ રૂપિયા નો ભાવ વધારો મંજૂર કરતા ઘી ની કિંમત પણ વધી ગઈ હતી અને જગન મોહન રેડી સરકારે એ ભાવે ઘી ખરીદવાનો ઇનકાર કરતા કર્ણાટક મિલ્ક ફેડરેશને ટેન્ડર ન ભરવાનો નિર્ણય લીધો હતો.બાદમાં સરકાર દ્વારા અન્ય પાંચ કંપનીઓ પાસેથી ઘી લેવાનું શરૂ કરાયું હતું અને એ ઘી માં આ ભેળસેળ થઇ હોવાનું સામે આવ્યું છે. જો કે ચંદ્રબાબુ નાયડુ સરકારે ફરી એક વખત નંદિની ઘી ની ખરીદી શરૂ કરી દીધી છે.
દરરોજ 3.5 લાખ લાડુ બને છે
તિરુપતિમાં 300 વર્ષ જૂના ‘ પોટુ ‘ રસોડામાં દરરોજ આશરે 3.5 લાખ લાડુનું ઉત્પાદન થાય છે, 200 બ્રાહ્મણો દ્વારા લાડુ બનાવવામાં આવે છે.એક લાડુ બનાવવા માટે લગભગ 40 રૂપિયાનો ખર્ચ થાય છે. લાડુ તૈયાર કરવા માટે દરરોજ લગભગ 400-500 કિલો ઘી, 750 કિલો કાજુ, 500 કિલો કિસમિસ અને 200 કિલો એલચીની જરૂર પડે છે.અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમયે આ મંદિરમાંથી એક લાખ લાડુ મોકલવામાં આવ્યા હતા.
નંદિની ઘી બાબતે રાજકારણ ગરમાયું હતું
કર્ણાટક મિલ્ક ફેડરેશનના પ્રમુખ ભીમા નાયકે જગન મોહન રેડી સરકાર દ્વારા નંદીની ઘીની ખરીદી બંધ કરવા માટે રાજકારણ અને ભેદભાવભરી નીતિને કારણ ભૂતકાળ આવી હતી. તેમણે એ સમયે કહ્યું હતું કે નંદિની ઘી કરતા ઓછી કિંમતે શુદ્ધ ઘી સપ્લાય કરવાનું શક્ય નથી. તેમણે કોઈ કંપની ઓછા ભાવે ઘી સપ્લાય કરશે તો તેનાથી પ્રસાદના લાડુની ગુણવત્તા પહેલા જેવી નહીં રહે તેવી ચેતવણી આપી હતી.ભાજપે જો કે એ સમયે નંદીની ઘી ન ખરીદવાના જગન મોહન સરકારના પગલાને પરોક્ષ સમર્થન આપ્યું હતું. ભાજપે સીધ્ધારમૈયા સરકાર રાજકીય લાભ ખાટવા માટે પ્રસાદના નામે તિરુપતિ મંદિરના વહીવટમાં દખલગીરી કરવા માગતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
હજુ અનેક પ્રશ્નો અનુતર. અશુદ્ધ આપનાર કંપની સામે ગુનો કેમ નથી નોંધાયો?
ચંદ્ર બાબુ નાયડુ એ કરેલા આક્ષેપો એ ભારે ચકચાર ચગાવી છે. પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડી આક્ષેપોને નકારી અને નાયડુ ધર્મના નામે હલકી કક્ષાની રાજનીતિ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. રાજકારણને એક તરફ મૂકીએ તો પણ આ ઘટનામાં અનેક પ્રશ્નો અનુતર રહ્યા છે. તિરુપતિ મંદિરમાં વર્ષોથી પ્રસાદમાં લાડુ બને છે. જો લાડુમાં શુદ્ધ ઘી ને બદલે પ્રાણી જ ચરબીવાળું ઘી વપરાયું હોય તો કોઈને અત્યાર સુધી ખબર કેમ ન પડી? લાડુનો સ્વાદ બદલાઈ ગયો હોય છતાં કેમ કોઈનું ધ્યાન ન ગયું? કેમ કોઈને શંકા ન થઈ? કર્ણાટકનું નંદની જી બંધ કર્યા બાદ પાંચ કંપનીઓ દ્વારા ઘી પૂરું પાડવામાં આવતું હતું. લેબોરેટરીમાં જે લાડુ મોકલવામાં આવ્યા તે કઈ કંપનીના ઘી થી બન્યા હતા તે જાહેર નથી થયું? એક સવાલ એ પણ ઊભો થયો છે કે ટેન્ડર તો શુદ્ધ ઘીનું નીકળ્યું હોય અને આ કંપનીઓએ અશુદ્ધ ઘી આપ્યું હોય તો ટેન્ડરની શરતોનો ભંગ કરવા ઉપરાંત ધાર્મિક પવિત્રતા ખંડિત કરી ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ કેમ નથી કરવામાં આવ્યો?