સવારે સફાઈ કરવા આવેલા યુવકના ધ્યાને બંગડી પહેરેલા વૃદ્ધા આવ્યા’ને રાત્રે લૂંટ્યા : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્સોને દબોચ્યા
દિવાળી નજીક આવી રહી હોય લોકો પોતપોતાના ઘર-ઓફિસ સહિતની સાફસફાઈ કરી જૂનો ભંગાર કાઢતાં હોય છે ત્યારે દિવસોમાં ભંગારની ફેરી કરનારાઓની સંખ્યા પણ વધી જતી હોય છે. આ સમયગાળા દરમિયાન ઘરની સાફ-સફાઈ કરવા માટે પણ માણસોની જરૂર પડતી હોય લોકો બહારથી બોલાવતા હોય છે ત્યારે ચેતવણી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધાના ઘરમાં સફાઈના નામે રેકી કરી ગયા બાદ રાત્રીના સમયે સાગરીતો સાથે ત્રાટકી બંગડી લૂંટી લેનારા ત્રણ શખસોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા હતા.
આ અંગે જંકશન પ્લોટમાં ગાયકવાડી શેરી નં.1/10માં રહેતા ભૂતપૂર્વ નેશનલ બાસ્કેટબોલ ખેલાડી મોનિકાબેન નીતાઈ ચક્રવર્તી (ઉ.વ.80)ના ઘરમાં સવારના સમયે સફાઈ કરવાના નામે રેકી કરવા એક યુવક આવ્યો હતો. આ વેળાઓ મોનિકાબેનના હાથમાં પહેરેલી સોનાની બંગડી તેમજ ઘરમાં કોઈ ન હોવાનું ધ્યાન પર આવી જતાં તેમને લૂંટવાનો પ્લાન બનાવી લીધો હતો. આ ગુનામાં સંજય રાયધનભાઈ વાઘેલા (ઉ.વ.22), રવિ રમેશભાઈ આધોજીયા અને વલ્લભ મનજીભાઈ વાજલીયા સામેલ હતા જેમાંથી સંજયે સફાઈના નામે રેકી કર્યા બાદ રાત્રે રવિ અને વલ્લભને લૂંટ કરવા માટે તૈયાર કર્યા હતા.
આ પણ વાંચો :રાજકોટ પોલીસે રિક્ષાચાલક બની 22 મહિનાથી ભાગતાં ગુજસીટોકના આરોપીને દબોચ્યો
ત્રણેય ઉપરોક્ત મકાનમાં ઘૂસ્યા બાદ પહેલાં મોનિકાબેન પાસે પાણી માંગી ઘરમાં કોઈ છે કે નહીં તેની ખરાઈ કરી લીધી હતી. કોઈ ન હોવાનું લાગતાં જ સંજયે વૃદ્ધાને છરી બતાવી બન્ને બંગડી ઉતારીને આપી દેવા કહ્યું હતું પરંતુ મોનિકાબેને ઈનકાર કરતા રવિ અને વલ્લભે તેમનું મોઢું દબાવી દીધું હતું જ્યારે સંજયે તેમના હાથમાંથી બંગડી ઉતારી ફરાર થઈ ગયા હતા.
આ ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની રાહબરીમાં વિજયરાજસિંહ જાડેજા, દિગ્પાલસિંહ જાડેજા, દીપક ચૌહાણ, પ્રદીપસિંહ જાડેજા, સંજય ખાખરિયા સહિતનાએ દોડધામ કરી ત્રણેય આરોપીને દબોચી લીધા હતા. પકડાયેલા વલ્લભ વાજલિયા સામે જામખંભાળિયા પોલીસ મથકમાં લૂંટ સાથે હત્યા તેમજ સંજય સામે ચોરી સહિતના ગુના નોંધાયેલા છે.
