વાયનાડ ભૂસ્ખલન : એક એવું ગામ જ્યાં એકપણ માણસ બચ્યુ નથી
ગ્રાઉન્ડ ઝીરો પર મોટા પ્રમાણમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
વાયનાડ જિલ્લાની પહાડીઓમાં વિનાશક ભૂસ્ખલન થયાને કલાકો વીતી ગયા છે પણ હજુ તેની ભૂતાવળ શાંત થઇ નથી. મંગળવારે સવારે દુર્ઘટનાનો ભોગ બનેલું મુંડકાઈ ગામ ભૂતિયા ગામ બની ગયું હતું. અહીં લગભગ તમામ લોકો મૃત્યુ પામ્યા છે. અન્ય ઘણા લોકો ગુમ છે. જો કોઈ બચી ગયું હોય તો તેમના માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
બચાવ કામગીરી પર દેખરેખ રાખતા રાજ્ય સરકારના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનથી મૃત્યુઆંક ૨૫૦ સુધી પહોંચી ગયો છે. અત્યારે બધી બાજુ રાહત બચાવ કામગીરી ચાલુ છે પરંતુ પશ્ચિમ ઘાટની ગોદમાં આવેલું મુંડક્કાઈ ગામ બચાવકર્મીઓ માટે સૌથી મોટો પડકાર બની ગયો. આખું ગામ, એક સમયે રિસોર્ટ્સ, હોમસ્ટે અને કોફીના બગીચાઓથી ભરેલું હતું, જે આજે સ્મશાનવત બની ગયું છે.
મુંડક્કાઈ પંચાયતના સભ્ય કે બાબુએ કહ્યું, “ગામની વસ્તી લગભગ 1,200 હતી. હવે ત્યાં એક પણ વ્યક્તિ બાકી નથી. અમે દુર્ઘટનામાં બચી ગયેલા તમામ લોકોને બહાર કાઢ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુંડક્કાઈમાં 540 મકાનો હતા, જેમાં કોફી એસ્ટેટના કર્મચારીઓ માટે ક્વાર્ટર્સ પણ હતા. હવે તેમાંથી 50થી ઓછા મકાનો બાકી છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે નદી પર બનેલો અસ્થાયી, સાંકડો રસ્તો પાણીમાં ડૂબી ગયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં બચાવકર્મીઓએ મુંડક્કાઈથી હિંમતભેર પાછા ફર્યા, તે જ માર્ગનો ઉપયોગ કરીને અને દોરડાની મદદથી નદી પાર કરી.
આર્મીના મદ્રાસ એન્જિનિયર ગ્રૂપની એક ટીમે ગુરુવારે સાંજે બેઈલી બ્રિજ સ્થાપિત કર્યો હતો જેથી રાહત કામગીરી ઝડપથી કરી શકાય. 190-ફૂટ ઊંચા પુલને સ્થાપિત કરવા માટેના સાધનો દિલ્હીથી કન્નુર એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યા હતા, અને 17 ટ્રકમાં લોડ કરીને વાયનાડ લાવવામાં આવ્યા હતા.