લાંબા સમયના યુદ્ધ માટે પ્રતિકાર મોરચો સક્ષમ: ઈરાનની ધમકી
યુદ્ધ વિસ્તરવાનો ખતરો વધતો જાય છે
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના જંગમાં હવે અન્ય તાકાતો પણ ઝંપલાવી રહી હોય એવા સ્પષ્ટ સંકેતો મળવાના શરૂ થઈ ગયા છે. ઈરાનના વિદેશ મંત્રી હોસેઇન અમીરબદોલાહિયને સોમવારે ફરી એક વખત ગાઝા ઉપરના હુમલા અટકાવી દેવા અને નહિતર પરિણામ માટે તૈયાર રહેવા ઇઝરાયેલને ગર્ભિત ધમકી આપી હતી.
તેમણે કહ્યું કે ઈઝરાયેલ ચોક્કસપણે ‘ પ્રતિકાર મોરચા ‘ની કાર્યવાહીની અપેક્ષા રાખી શકે છે. આ પ્રતિકાર મોરચામાં ઈરાન,હેઝબોલ્લહ,સીરિયા અને ઇઝરાયેલ તેમ જ પશ્ચિમના દેશો વિરોધી લડાકુ જૂથોનો સમાવેશ થાય છે.ઈરાનના વિદેશ મંત્રી એ વિશેષમાં કહ્યું કે પ્રતિકારના નેતાઓ ઝિઓનિસ્ટ શાસનને ગાઝામાં કોઈ કાર્યવાહી કરવા દેશે નહીં.બધા વિકલ્પો ખુલ્લા છે અને અમે ગાઝાના લોકો સામે આચરવામાં આવેલા યુદ્ધ ગુનાઓ પ્રત્યે ઉદાસીન રહી શકતા નથી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રાઈસીએ પણ ઇઝરાયેલ જો ગાઝા ઉપર કબજો લેશે તો ઈરાન હાથ જોડીને બેઠું નહીં રહે તેવી ચેતવણી ઉચ્ચારી હતી. અત્રે એ પણ ભૂલવા જેવું નથી કે લેબનોન સરહદ પરથી તો ઇઝરાયેલ ઉપર હુમલા શરૂ થઈ જ ગયા છે.
હમાસના ટોચના અધિકારીને મારી નાખ્યો: રવિવારે ગાઝા ઉપર વધુ 200 બોંબ ઝીંકાયા
રવિવારે રાત્રે ઇઝરાયલે ડ્રોન એટેક દ્વારા હમાસના ટોચના નેતા ઓસામા માઝીની ને પતાવી દીધો હતો. ઇઝરાયેલના સૈનિક ગીલાદ શાલિતના અપહરણ કાંડમાં ઓસામાની સંડોવણી હતી. ગીલાદને પાંચ વર્ષ સુધી બંધક રખાયો હતો અને તેની મુક્તિના બદલામાં ઇઝરાયલે પેલેસ્ટાઇનના 1000 કેદીઓને છોડવા પડ્યા હતા.એ દરમિયાન સોમવારે રાત્રે ઇઝરાયલે ગાઝા ઉપર વધુ ૨૦૦ બોમ્બ ઝીંક્યા હતા. ગાઝામાં ઘાયલોની સંખ્યા 4, 200ને આંબી ગઈ હતી.
અમારી પાસે 250 બંધક : હમાસ
હમાસના લશ્કરી પ્રવક્તા અબુ ઓબેઇદાએ કહ્યું હતું કે હમાસ પાસે 200 થી વધુ બંધકો છે. તેમાં ઈઝરાયેલના અને વિદેશના નાગરિકોનો સમાવેશ થાય છે.એ ઉપરાંત અલગ અલગ સ્થળોએ અન્ય જૂથો પાસે પણ 50 બંધકો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બધા બંધકો અમારા મહેમાન છે, અમે તેમનું રક્ષણ કરશું અને જમીની પરિસ્થિતિ મુજબ તેમની મુક્તિનો નિર્ણય લેશું
ગાઝામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
ગાઝામાં શરણાર્થીઓ માટેની યુનાઇટેડ નેશનની એજન્સીના વડા ઝુલેટી ટોમાએ કહ્યું કે ગાઝામાં 20 લાખ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.આગામી 24 કલાકમાં હાલમાં ઉપલબ્ધ છે એ પાણીનો જથ્થો પણ ખલાસ થઈ જશે. તેમણે કહ્યું કે લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે અને પરિણામે ગાઝામાં કાબુમાં ન લઈ શકાય એ સ્તરનો પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે.