સુધારતો જ નથી! રાજકોટ પોલીસનો સ્વાંગ રચી વધુ એક વખત તોડ કરતો શખ્સ ઝડપાયો : પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
એક બાજુ `તોડપાણી’ને કારણે અસલી પોલીસ પણ બદનામ છે ત્યાં હવે નકલી પોલીસ દ્વારા `તોડ’ કરવાનું શરૂ કરી દેવાતા પ્રતિષ્ઠાને રીતસરનો ધક્કો લાગી રહ્યો છે. અગાઉ એક વખત ગોંડલ અને એક વખત રાજકોટમાં પોલીસના નામે તોડ કરનાર શખસે ફરી એક વખત યુવકને પોલીસની ઓળખ આપી માર માર્યા બાદ 12000 પડાવી લેતા ફરિયાદ નોંધી એ-ડિવિઝન પોલીસે દબોચી કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ અંગે મોરબીના સનાળા રોડ પર રહેતા દક્ષિત દિનેશભાઈ ઘીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે ગત આઠ સપ્ટેમ્બરે લીમડા ચોકમાં આવેલી સરોવર પોર્ટિકો હોટેલમાં કામ અર્થે આવ્યો હતો. કામ પૂર્ણ થયા બાદ પરત મોરબીની બસ પકડવાની હોય બસ સ્ટેન્ડ ગયો હતો. તે પહેલાં મહાપાલિકા કચેરીના ચોકમાં આવેલી રેંકડી પર જમવા બેઠો ત્યારે બે શખસો નંબર પ્લેટ વગરનું એક્સેસ લઈને આવ્યા હતા અને દક્ષિતને `અમે પોલીસ સ્ટેશન ડી-સ્ટાફમાંથી આવીએ છીએ’ કહી બેસાડી દીધો હતો.
આ પણ વાંચો :સોનુ 1,25,000ની ટોચે! આ દિવાળીએ રેકોર્ડબ્રેક ખરીદીનાં સંકેત,9 મહિનામાં સોનામાં 45% ઉછાળો
આ પછી આશાપુરા મંદિર સામે પેલેસ રોડ પર ધવલ જ્વેલર્સવાળી શેરીમાં લઈ ગયા બાદ પૈસાની માંગણી કરી હતી પરંતુ સગવડ થઈ શકે તેમ ન હોય તેવો જવાબ મળતા જ ફડાકા માર્યા હતા. ત્યારબાદ દક્ષિતે ડરના માર્યા મિત્ર પાસેથી 10,000 મંગાવ્યા હતા જે પણ આ બન્નેએ એટીએમ મારફતે ઉપાડી લીધા હતા અને દક્ષિતના ખાતામાં રહેલી બે હજારની રોકડ મળી કુલ 12 હજાર લઈ બન્ને ફરાર થઈ ગયા હતા.
એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બી.વી.બોરીસાગર સહિતની ટીમે સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ આ `તોડ’ને અંજામ મિહિર ભાનુભાઈ કુગશિયા નામના યુવકે આપ્યો હોવાનું સામે આવતાં તેને દબોચી લીધો હતો. મિહિર સાથે તેનો મિત્ર પણ સામેલ હોય તેની શોધખોળ ચાલી રહી છે.
