અગ્નિવીરને વળતર કેસમાં નવો વિવાદ આર્મીના દાવા સામે પણ શંકાની સોઈ
છ મહિના પછી પણ એક્સ ગ્રેશિયા સહાય નથી મળી
“પોલીસ વેરિફિકેશન બાદ એકસ ગ્રેશિયા રકમ ચૂકવશું”: આર્મીનું ટ્વીટ
“અમને પોલીસ વેરિફિકેશન અંગેની કોઈ અરજી મળી જ નથી”:પોલીસનો ખુલાસો
“આર્મી તરફથી અમને બેટલ કેઝ્યુઆલીટી સર્ટીફીકેટ
મળ્યું નથી”: ડે.કમિશનરની સ્પષ્ટતા
ફરજ દરમિયાન મૃત્યુ પામનાર અગ્નિવીરને મળતા વળતર અંગેનો વિવાદ શમવાનું નામ નથી લેતો.રાહુલ ગાંધીએ સંસદમાં એ મુદ્દો ઉઠાવ્યા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે અગ્નિવીર અજય કુમારના પરિવારજનોને 98.39 લાખનું વળતર ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું.રાહુલ ગાંધીએ રાજનાથ સિંહ ખોટું બોલ્યા હોવાનો આક્ષેપ કરી અજય કુમારના પિતાનો વિડિયો જારી કર્યો હતો જેમાં તેમણે સરકાર તરફથી કોઈ વળતર ન મળ્યું હોવાનું જણાવ્યું હતું.ત્યાર બાદ આર્મીએ પણ ટ્વીટ કરી ને અજય કુમારના પરિવારજનોને 98.39 લાખ ચૂકવાયા હોવાની માહિતી આપી હતી એટલું જ નહી વધુ 67 લાખ એક્સ ગ્રેશિયા ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
બીજી તરફ જે 98.39 લાખ ચૂકવવામાં આવ્યા છે તે સરકાર તરફથી નહીં પણ ગ્રુપ ઇનસ્યોરન્સ સ્કીમ અને ખાતેદાર સૈનિકો માટેની બેન્કની ઇનસ્યોરન્સ સ્કીમ હેઠળ મળ્યા હોવાનો અજય કુમારના પરિવારજનોએ દાવો કર્યો હતો.અર્થાત્, તેમના કહેવા મુજબ સરકાર તરફથી કોઈ વળતર મળ્યું નથી.આ વિવાદ ચાલુ છે અને કોંગ્રેસે અગ્નિવીર યોજના અંગે શ્વેત પત્ર જાહેર કરવાની માંગણી કરી છે ત્યારે જ આર્મી એ એક્સ ગ્રેશિયા રકમ અંગે કરેલી એક ચોખવટ ને કારણે નવો વિવાદ ઉભો થયો છે.
‘અગ્નવીર અજય કુમારને વળતર પર સ્પષ્ટતા’ શીર્ષકવાળા નિવેદનમાં, સેનાએ X પર તેના અધિકૃત હેન્ડલ @adgpi પર એક પોસ્ટ મૂકી હતી જેમાં જણાવ્યું હતું કે, “ અગ્નિવીર યોજનાની જોગવાઈઓ મુજબ Ex – Gratia અને આશરે રૂ. 67 લાખની રકમના અન્ય લાભો, પોલીસ વેરિફિકેશન બાદ ટૂંક સમયમાં અંતિમ એકાઉન્ટ સેટલમેન્ટ પર ચૂકવવામાં આવશે”
સેનાની આ ઘોષણા બાદ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રએ તેમની પાસે વેરીફીકેશન અંગેની એક પણ અરજી પેન્ડિંગ ન હોવાનું જણાવ્યું હતું.ખન્નાના
એસએસપી અમનીત કોંડાલે કહ્યું કે અમને પોલીસ વેરિફિકેશન માટે કોઈ સૂચના જ નથી મળી તો પછી વેરિફિકેશન કરીએ જ કઈ રીતે?.અમે ફરજ દરમિયાન મૃત્યુ પામેલા જવાનોના વેરીફીકેશન કાર્યને અગ્રતા આપીએ છીએ.પણ અત્યારે અમારી પાસે એવી કોઈ અરજી પેન્ડિંગ નથી.
બીજી તરફ લુધિયાણાના ડેપ્યુટી કમિશનર સાક્ષી સહાની એ સ્પષ્ટતા કરતા કહ્યું કે જિલ્લા વહીવટીતંત્ર પાસે પણ કોઈ કામ પેન્ડિંગ નથી પણ સાથે જ તેમણે અગ્નિવીર અજ્યનું ” બેટલ કેઝયુઆલિટી સર્ટિફિકેટ ” હજુ સુધી મળ્યું ન હોવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે અમારા ડિફેન્સ સર્વિસ વેલ્ફર ઓફિસરે એ અંગે શીખ લાઈટ ઈનફ્ન્ટરી રેજીમેન્ટની રેકોર્ડ ઓફિસને પત્ર લખ્યો હતો જેનો હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. તેમણે અગ્નિવીરના મૃત્યુ સંબંધિત એક પણ પ્રકારની અન્ય કોઈ કામગીરી બાકી ન હોવાની સ્પષ્ટતા કરી હતી.
બેટલ કેઝયુઆલીટી સર્ટિફિકેટની જરૂર જ શું છે? બ્રિગેડિયર ધિલ્લોન
પંજાબના સૈનિક વેલ્ફેર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર બ્રિગેડિયર બીએસ ધિલ્લોને કહ્યું કે જ્યારે અન્ય રકમો ચૂકવાઈ ગઈ છે ત્યારે એક્સ ગ્રેશીયા રકમ ચૂકવવા માટે
બેટલ કેઝયુઆલીટી સર્ટિફિકેટની જરૂર જ શું છે? તેમણે કહ્યું કે રાજ્ય સરકાર જ્યારે શહિદને સહાય આપવા માંગતી હોય ત્યારે જ એ સર્ટિફિકેટ જરૂરી હોય છે. કેન્દ્ર સરકાર તરફથી ચૂકવાથી કોઈ પણ રકમ માટે એ સર્ટીફીકેટની જરૂર નથી હોતી. તેમણે ઉમેર્યું કે ખરેખર તો આ સર્ટીફીકેટની જરૂર પંજાબ સરકારને હોવી જોઈએ પરંતુ માન સરકારે તો અગ્નિવીરના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય આપી પણ દીધી છે. એ માટે તેમણે આ સર્ટીફીકેટ મળવાની રાહ નહોતી જોઈ. તેમણે ખેદ સાથે ઉમેર્યું કે અજય કુમારના મૃત્યુને છ મહિના થઈ ગયા પણ હજુ સુધી પેન્ડિંગ પોલીસ વેરિફિકેશન અંગે અમારી ઓફિસ સાથે આર્મી તરફથી એ અંગે કોઈ પત્રવ્યવહાર નથી કરવામાં આવ્યો.
રાજનાથ સિંહ ખોટું બોલ્યા હોવાનો અગ્નિવીરના પિતાનો આક્ષેપ
રાજનાથ સિંહ ખોટું બોલ્યા હોવાનો આક્ષેપ માત્ર રાહુલ ગાંધીએ જ નથી કર્યો, અગ્નિ વીરના પિતાએ પણ એ જ આક્ષેપ કર્યો છે.અગ્નિવીર અજયના પિતા ચરણજીત સિંહ કાલાએ શુક્રવારે જણાવ્યું હતું કે, “અમને વીમા કલેઇમ તરીકે આર્મી તરફથી 48 લાખ રૂપિયા અને ICICI બેંક તરફથી 50 લાખ રૂપિયા મળ્યા છે. પંજાબ સરકારે વધુ એક કરોડ રૂપિયા આપ્યા છે. પણ અમને કેન્દ્ર સરકાર તરફથી કોઈ એક્સ ગ્રેશિયા રકમ મળી નથી. રાજનાથ સિંહ ખોટું બોલે છે કે કેન્દ્રએ અમને 1 કરોડ રૂપિયા આપ્યા છે.
વળતર અને વીમા વચ્ચે ફેર છે: રાહુલે નવો વીડિયો જારી કર્યો
સરકાર અને આર્મીના વળતર અંગેના ઉપરાછાપરી દાવાઓ સામે રાહુલ ગાંધી પોતાની વાતને વળગી રહ્યા છે તેમણે એક નવો વીડિયો જાહેર કરીને કહ્યું,” વિમા ની રકમ અને વળતર વચ્ચે ફેર છે. અગ્નિવીરના પરિજનોને આજ સુધી વળતરની રકમ નથી મળી.તેમને પગારનું એરિયર્સ પણ નથી મળ્યું. સાચી વાત એ છે કે હાલમાં બે પ્રકારના શહીદો છે. એક નિર્મલ જવાન અને એક અગ્નિવીર.બંને શહીદ બનશે પણ એકને પેન્શન મળશે અને બીજાને નહીં.એકને કેન્ટીન ફેસીલીટી મળે છે બીજાને નહીં.જો કોઈ દેશ માટે શહીદી વ્હોરે તો તેનું સન્માન થવું જોઈએ”.