રાજકોટનો બાળહનુમાન ભક્ત કે જેને યાદ છે ભગવાન શ્રી રામની 40 પેઢીના નામ, હનુમાન ચાલીસા પણ કંઠસ્થ
ગુજરાતીમાં કહેવત છે કે એક મા સો શિક્ષકની ગરજ સારે છે…બાળકની પહેલી શિક્ષક તેની માતા હોય છે. માતા પાસેથી મળેલું શિક્ષણ એ અમૂલ્ય હોય છે. ત્યારે આજે આપણે એક એવા જ બાળકની વાત કરવાના છીએ જેને તેની માતા પાસેથી ભગવાન શ્રી રામની 40 પેઢીના નામ, હનુમાન ચાલીસાની દરેક ચોપાઈ અને હનુમાન મંત્ર અર્થ સાથે કંઠસ્થ છે.

આજના બાળકો રમવામાં અને ખાસ કરીને મોબાઈલમાં વધુ મશગુલ રહેતા હોય છે ત્યારે આજે આપણે વાત કરીએ રાજકોટના એક એવા બાળકની જે માત્ર ત્રણ વર્ષની ઉંમરે હનુમાન ચાલીસા કંઠસ્થ બોલી શકતો હતો. મોબાઈલમાં રહેનારી જનરેશનથી તદ્દન વિરુદ્ધ આ બાળક હનુમાન ચાલીસા અર્થ સાથે બોલી શકે છે. બાળકના સનાતન ધર્મને સંસ્કાર બાળકને માતા તરફથી મળ્યા છે. બાળકને હનુમાન ચાલીસાની ચોપાઈના અર્થ શિખડાવવા માટે માતાએ સૌ પ્રથમ અર્થ સમજ્યા અને ત્યારબાદ પોતાના બાળકમાં સિંચન કર્યું. ત્યારે ચાલો જાણીએ શું છે બાળકની સિધ્ધી.
રાજકોટના આ બાળકનું નામ શોર્ય કાકરેચા છે અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. આજની પેઢીના બાળકોને સ્કૂલમાં ભણાવવામાં આવતો સિલેબસ પણ યાદ રહેતો નથી ત્યારે 8 વર્ષીય શોર્યને ભગવાન શ્રી રામની 40 પેઢીના નામ યાદ છે. બાળકની બોલવાની છટાથી લોકો મંત્રમુગધ બની જાય છે. આ બાળકને ન માત્ર ભગવાન શ્રી રામની ચાલીસ પેઢીના નામ યાદ છે તેને હનુમાન ચાલીસાની ચોપાઈના અર્થ અને હનુમાન મંત્ર તેમજ તેના અર્થ પણ આવડે છે.

નાની ઉંમરે બાળકે મોટા કલાકારો સાથે કર્યું કામ
બાળકો કોઈને કોઈ ટેલેન્ટ ધરાવતા હોય છે ત્યારે શોર્ય નાની ઉંમરમાં હનુમાન ચાલીસા તેમજ હનુમાન મંત્ર અર્થ સાથે લોકો સમક્ષ રજૂ કરી શકે છે. શોર્યએ રાજકોટના વિવિધ મંદિરોમાં હનુમાન ચાલીસા અર્થ સાથે રજૂ કરી છે અને સ્ટેજ પર્ફોમન્સ આપ્યા છે. માયાભાઇ આહીર, હરિપ્રકાશ સ્વામી,ઇન્દ્રભારતી બાપુ,જીગ્નેશ દાદા, મોરારી બાપુ સાથે કામગીરી કરી છે તેમજ હેમંત ચોહાણ સાથે પણ સ્ટુડિયોમાં વિડીયો બનાવ્યા છે.

શું કહે છે શોર્યના માતા ?
શોર્યના માતા કોમલ બેન કાકરેચાનું કહેવું છે કે બાળકોમાં ધાર્મિક બાબતોનું સિંચન કરવું અત્યંત આવશ્યક છે. નાનપણથી જ અમે લોકો તેને હનુમાન ચાલીસા દરરોજ બોલાવતા ત્યારે તેને મોઢે થઈ ગઈ અને જ્યારે તે 6 વર્ષનો થયો ત્યારે તેણે મને પૂછ્યું કે હનુમાન ચાલીસાની એક-એક ચોપાઈનો અર્થ શું છે? ત્યારે શોર્યને હનુમાન ચાલીસાનો ગુજરાતી અર્થ શિખડાવવા માટે પહેલા મે એક પુસ્તક લઈને કંઠસ્થ કર્યું અને શોર્યને શિખડાવતા 10 દિવસમાં તેણે પણ કંઠસ્થ કરી લીધું.
10 વર્ષનો થઈશ ત્યાં સુધીમાં ભગવત ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરીશ
વધુમાં શોર્યની માતાએ જણાવ્યું કે જેમ-જેમ મે શોર્ય માટે ધાર્મિક પુસ્તકો વાંચવાના શરૂ કર્યા તેમ થયું કે ઘણી એવી ધાર્મિક માહિતી છે જે શોર્યને શિખડાવવી જોઈએ. ત્યારબાદ શોર્યને મે કીધું કે આ ભગવદ ગીતા છે અને તેના શ્લોક પણ તારે શિખવાના છે ત્યારે શોર્યએ પોતે જ સંકલ્પ લીધો કે હું 10 વર્ષનો થઈશ ત્યારે 700 શ્લોક અર્થ સાથે કંઠસ્થ કરી લઇશ.
