2000 રૂપિયા સુધી ઓનલાઈન પેમેન્ટ માટે 18 ટકા જીએસટી લાગશે ?
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક આજે રોજ દિલ્હીમાં મળી છે. જેમાં બિલડેસ્ક અને CCAvenue જેવી પેમેન્ટ એગ્રીગેટર કંપનીઓ પર 18 ટકા જીએસટી લાદવાના પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. જો આ નિર્ણય લેવામાં આવે છે તો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા 2000 રૂપિયાથી ઓછા પેમેન્ટ પર પણ જીએસટી ચૂકવવો પડી શકે છે. હાલમાં તેમને નાના ટ્રાન્ઝેક્શન પર છૂટ આપવામાં આવી છે. જીએસટી ફિટમેન્ટ પેનલનું માનવું છે કે આ કંપનીઓને બેંકોની શ્રેણીમાં રાખી શકાય નહીં.
આજે બેઠકમાં રિયલ એસ્ટેટ, પાવર સેક્ટર, ઓનલાઈન ગેમિંગ, હેલ્થ અને લાઈફ ઇનસુરન્સ પ્રીમિયમ જેવા મહત્વના મુદ્દે કોઈ નિર્ણય થવાની શક્યતા છે. લોકોને સસ્તું પ્રીમિયમ મળી શકે છે.
80 ટકા 2000 રૂપિયાથી ઓછી કિંમતના પેમેન્ટ
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જીએસટી ફિટમેન્ટ પેનલનું માનવું છે કે જીએસટી પેમેન્ટ એગ્રીગેટર કંપનીઓ પર લાદવો જોઈએ. તમામ પેમેન્ટ એગ્રીગેટર કંપનીઓ માટે આ એક મોટો ફટકો સાબિત થશે કારણ કે હાલમાં દેશમાં કુલ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનના 80 ટકાથી વધુ 2000 રૂપિયાથી ઓછા મૂલ્યના હોય છે.
2016 માં ડિમોનેટાઇઝેશન દરમિયાન જારી કરાયેલ સરકારી સૂચના અનુસાર, પેમેન્ટ એગ્રીગેટર્સને નાના ટ્રાન્ઝેક્શન પર વેપારીઓને તેઓ જે સેવાઓ પ્રદાન કરે છે તેના પર ટેક્સ વસૂલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
હાલમાં કેટલી ફી છે ?
પેમેન્ટ એગ્રીગેટર્સ હાલમાં દરેક ટ્રાન્ઝેક્શન પર વેપારીઓ પાસેથી 0.5 ટકાથી 2 ટકા ચાર્જ કરે છે. જો GST લાગુ કરવામાં આવે તો તે વધારાનો ખર્ચ વેપારીઓ પર નાખી શકે છે. હાલમાં, પેમેન્ટ એગ્રીગેટર્સ રૂ. 2000થી ઓછા ટ્રાન્ઝેક્શન પર GST ચૂકવતા નથી. તેઓ QR કોડ, POS મશીન અને નેટ બેંકિંગ જેવી ઘણી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ચુકવણીની સુવિધા પૂરી પાડે છે. જો આમ થશે તો નાના વેપારીઓ પર વિપરીત અસર થશે. તેમની મોટાભાગની ચૂકવણી 2000 રૂપિયાથી ઓછી હોય છે. જો કોઈ વેપારીએ હાલમાં 1000 રૂપિયાની ચુકવણી પર 1% ગેટવે ફી સાથે 10 રૂપિયા ચૂકવવા પડે છે, તો GST લાગુ થયા પછી, તેણે 11.80 રૂપિયા ચૂકવવા પડશે.