જળ હોનારતમાં ભારે જાનહાનિ થતાં ત્રીસ અધિકારીને ફાંસીને માચડે લટકાવી દેવાયા..
નોર્થ કોરિયામાં આવેલા પૂરમાં મોટી જાનહાનિ અને નુકસાન થયા બાદ ફરજમાં બેદરકારી દાખવવાના આરોપસર 30 થી વધુ અધિકારીઓને એક સાથે ફાંસીના માંચડે લટકાવી દેવાયા હતા.
સાઉથ કોરિયન મીડિયાના અહેવાલમાં આ સામુહિક મૃત્યુદંડ નો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો.જુલાઈ મહિનામાં ચીનની સરહદ નજીક આવેલા નોર્થ કોરિયાના ચા ગાંગ પ્રાંતમાં ભારે વરસાદને કારણે આવેલા વિનાશક પુર અને ભૂસ્ખલનને કારણે એક હજાર કરતાં વધારે લોકોના મૃત્યુ થયા હતા અને હજારો લોકો બેઘર બની ગયા હતા.આ ઘટના માટે અધિકારીઓની બેદરકારી કારણભૂત હોવાનું જણાવી સત્તાવાળાઓએ કઠોર સજા આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
સાઉથ કોરિયાના ચોઉસન ટીવી ના જણાવ્યા અનુસાર એ ઘટના બાદ સરમુખત્યાર કિમ જોંગ ઉને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને બાદમાં મળેલી પોલીબ્યુરોની મિટિંગમાં કીમ જૉંગે જવાબદાર અધિકારીઓને કડક માં કડક સજા આપવનો આદેશ કર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવતા આ અધિકારીઓને ફાંસી આપી દેવાઈ હતી.હજુ પણ બીજા અનેક કર્મચારીઓ અને અધિકારીઓ સામે કઠોર સજા તોળાઇ રહી હોવાનું એ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.