આજે ગુરુ પૂર્ણિમા: જીવન જીવવાનો સાચો માર્ગ દેખાડે તે ગુરુ
- શહેરના વિવિધ આશ્રમ-મંદિરોમાં ગુરુ પૂજન, પાદુકા પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન: મંદિરોને કરાયા વિશેષ શણગાર
વોઇસ ઓફ ડે, રાજકોટ
દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા કે વેદ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ એ આપણાં જીવનમાં રહેલા અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવે છે તેમજ અજ્ઞાન દૂર કરી જીવનનો સાચો માર્ગ બતાવે છે. રાજકોટમાં આજે ગુરુ પૂર્ણિમા નિમિતે શહેરના જુદા-જુદા આશ્રમોમાં ગુરુ પૂજન, પાદુકા પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વિશેષ શણગાર પણ કરવામાં આવ્યા છે.
ગુરુ પૂર્ણિમાનું મહત્વ ગુરુ અને શિષ્યના પવિત્ર સબંધનું પ્રતિક છે. દેશમાં પ્રાચીન કાળથી જ ગુરુ શિષ્ય પરંપરા ચાલી આવી રહી છે. આધ્યાત્મિક કે શિક્ષણ દરેક ક્ષેત્રમાં ગુરુનું ઘણું મહત્વ રહેલું છે. હિન્દુ માન્યતાઓ મુજબ ગુરુ વ્યક્તિને અંધકારમાંથી બહાર કાઢી પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુ એક એવી વ્યક્તિ છે જે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવી જીવન જીવવાનો સાચો રસ્તો દેખાડે છે.
ગૂરૂ પૂર્ણિમાના દિવસે શિષ્યો પોતાના ગુરુને વંદન કરીને આશીર્વાદ મેળવતા હોય છે. સનાતન પરંપરા મુજબ જીવન સબંધિત કોઈપણ સાધના કે ઉપાસના કાર્ય ગુરુ વિના સફળ થઈ શકતી નથી. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય તેમના ગુરુની પુજા અને દર્શન કરીને આશીર્વાદ મેળવે છે. ગુરુ દક્ષિણા અર્પણ કરે છે. શહેરના જુદા-જુદા આશ્રમોમાં આજે ગુરુ પૂર્ણિમા નિમિતે ગુરુ પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી જ ગુરુ પાદુકા પૂજન, વિશેષ આરતી, પુજા, પાઠ, પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાશે.