દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને અર્પણ કરાઇ સોના જડિત વાંસળી
પોરબંદર જિલ્લાના રબારી પરિવારે માનતા પૂરી થતાં બે તોલા જડિત સોનાની વાંસળી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગત મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના લાખો ભક્તો દર્શન કરવા આવે છે અને અનેક કિંમતી ભેટ સોગાદો ભગવાનને અર્પણ કરે છે. આવા જ એક ભક્ત એવા પોરબંદર જિલ્લાના પરિવારે કાળિયા ઠાકોરને સોના જડિત વાંસળી અર્પણ કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ પોરબંદર જિલ્લાના કોલીખડા ગામના સોરઠીયા રબારી સરમણભાઇ વિરાભાઈ ચાવડા નામના શ્રી કૃષ્ણના ભક્તે માનતા રાખી હતી. જે માનતા પૂર્ણ થતાં એમણે દ્વારકાધીશ મંદિરે ઠાકોરજીને બે તોલા સોનાની વાંસળી અર્પણ કરી હતી. આ સાથે જ એમણે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મહત્વનું છે કે, ભક્તોને ભગવાન પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. ત્યારે તેઓ ભગવાનની માનતા રાખતા હોય છે અને જ્યારે તેમના ધાર્યા કામ થતાં તેઓ ભગવાનના ચરણોમાં કિંમતી ભેટ-સોગાદ તેમજ રૂપિયા અર્પણ કરતાં હોય છે. તાજેતરમાં જ ભગવાનને સોનાનો હર પર અર્પણ કરવામાં આવ્યો હતો. અમદાવાદના એક પરિવાર દ્વારા સોનાનું દાન કરાયા બાદ વધુ એકવાર ભગવાન શ્રી કૃષ્ણને તેમની પ્રિય એવી સોના જડિત વાંસળીનું દાન કરાયું હતું.