ફ્લેટ પર લોન લીધી’ને વેચાણ પણ કર્યું: વ્હોરા ગૃહિણી સાથે ૩૭ લાખની છેતરપિંડી
માલિકે દસ્તાવેજ બેન્કમાં ગીરવે પડ્યો હોવા છતાં ફ્લેટ વેચી ચાર વર્ષ સુધી પરિવારને ટીંગાડ્યો
રાજકોટના મારૂતિનગર શેરી નં.૨માં તસ્કી એપાર્ટમેન્ટ'માં રહેતાં વ્હોરા ગૃહિણી સાથે ફ્લેટમાલિકે ૩૭ લાખની છેતરપિંડી આચરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે તાહેરાબેન મુર્તુજાભાઈ ચીકાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે જાન્યુઆરી-૨૦૨૦માં તેમણે જમીન-મકાનના દલાલ શબ્બીર ત્રવાડી મારફતે મારૂતિનગર શેરી નં.૨માં નટરાજ ગોલાવાળી શેરીમાં મોદક એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટ નં.૩૦૧નું ૫૩,૦૦૦નું ટોક ફ્લેટના માલિક રણજી વશિષ્ટને આપ્યું હતું.

આ ફ્લેટની કિંમત ૩૭.૫૦ લાખ રૂપિયા નક્કી થતાં ૨૪-૨-૨૦૨૦ના પાંચ લાખ ચેક મારફતે, ૨-૩-૨૦૨૦ના ૧૦ લાખ ચેક મારફતે, ૧૦-૭-૨૦૨૦ના પાંચ લાખ ચેક મારફતે અને પાંચ લાખ રોકડા ચૂકવ્યા હતા. આ પછી રણજી વશિષ્ટે ફ્લેટની ચાવી આપતાં ડિસેમ્બર-૨૦૨૦માં ફ્લેટમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા. આ પછી વિસ્તારમાં અશાંતધારો લાગુ પડી જતાં દસ્તાવેજ કઈ રીતે થશે તેવું રણજીત વશિષ્ટને પૂછતાં તેણે કહ્યું હતું કે
તમે ચિંતા ન કરો, હું બધું જોઈ લઈશ.’ થોડા સમય બાદ રણજીને દસ્તાવેજ માટે કહેતાં તેણે દસ્તાવેજ કરી આપ્યો ન્હોતો. ત્યારબાદ રણજીતે સંબંધી લલિત શાહી અને અનંત રાજા મારફતે કહ્યું હતું કે બાકી રહેતું પેમેન્ટ કરી દો એટલે તા.૫-૨-૨૦૨૧ના ૪ લાખ ચેક અને આઠ લાખ રોકડા એમ ૧૨ લાખ રૂપિયા ચૂકતે કરી દીધા હતા. એકંદરે ફ્લેટની તમામ રકમ ચૂકવી આપી હોવા છતાં દસ્તાવેજ ન કરતા તા.૭-૧-૨૦૨૨ના કબજા સાથેનું વેચાણ કરાર કર્યું હતું.
આ પ્રક્રિયા બાદ એવો ખુલાસો થયો હતો કે રણજીત વશિષ્ટે ફ્લેટ ઉપર લોન લીધી હોય દસ્તાવેજ હાલ બેન્કમાં ગીરવે પડ્યો છે જેથી તાહેરાબેને રણજીને કહ્યું હતું કે દસ્તાવેજ ન થાય એમ હોય તો પેમેન્ટ પરત આપો પરંતુ રણજીતે દસ્તાવેજ પણ ન કરી આપ્યો અને પેમેન્ટ પણ ન કરી આપતાં આખરે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.