ધોરાજી નજીક ઠુમ્મર અને કોયાણી પરિવાર પર કાળ ત્રાટક્યો..વાંચો શું થયું..
ટાયર ફાટ્યા બાદ કાર ભાદર નદીમાં ખાબકી : ચારના ડૂબી જવાથી મોત
ધોરાજી-ઉપલેટા હાઈવે ઉપર ભાદર નદીના પૂલ ઉપર એક ગમખ્વાર અકસ્માતમાં ધોરાજીના ઠુંમર અને કોયાણી પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્તા અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમયજ્ઞમાંથી પરત ફરતા ધોરાજીના આ બે પરિવાર ઉપર કાળ ત્રાટક્યો હતો. એવું કહેવાય છે કે, ટાયર ફાટતા કાર પુલની રેલિંગ તોડી પાણીમાં ખાબકી હતી. જેને લીધે ડૂબી જવાથી કારમાં સવાર ચારેય લોકોનાં મોત થયા હતા.
આ અકસ્માતની માહિતી મળતા પોલીસ તથા 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘવાયેલા તેમજ મૃતકોના મૃતદેહો ધોરાજી હોસ્પિટલે ખસેડ્યા હતાં.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ધોરાજી નજીકના માંડાસણ ગામે ચાલી રહેલ સોમયજ્ઞમાંથી ધોરાજીનો પરિવાર પરત ફરી રહ્યો હતો. ત્યારે ભાદરના પુલ ઉપર કારનું ટાયર ફાટતા કાર 50 ફૂટથી વધુ નીચે ખાબકી હતી અને કારનો ખુરદો બોલી ગયો હતો. આ કારમાં સવાર ધોરાજીના ઠુંમર અને કોયાણી પરિવારના ત્રણ મહિલા સભ્યો સહિત ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. મૃતકોમાં દિનેશભાઈ ઠુંમર (ઉ.વ.55), લીલાવંતીબેન ઠુંમર (ઉ.વ.52), હાર્દિકાબેન ઠુંમર અને (ઉ.વ.22) સંગીતાબેન કોયાણી (ઉ.વ.55)નો સમાવેશ થાય છે.