પોલીસ સાથે મળી હત્યા કરનાર યુવાન ડ્રગ્સ સાથે પકડાયો !
નાનામવા વિસ્તારમાં રાજદીપ સોસાયટી પાસેથી અંકુર ઉર્ફે બાડો સંચાણિયાને દબોચી લેતી એસઓજી
છ વર્ષ પહેલાં ઈન્દિરા સર્કલ પાસે ગોલાની દુકાને સામે જોવા બાબતે થયેલી હત્યામાં અંકુર સામે નોંધાયો’તો ગુનો
આજથી છ વર્ષ પહેલાં ઈન્દિરા સર્કલ પાસે ગોલાની દુકાન પર સામે જોવા બાબતે થયેલી મારામારીનો બનાવ હત્યામાં પલટાયા બાદ આ ગુનામાં સામેલ રાજકોટના યુવાનને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ ડ્રગ્સ સાથે દબોચી લીધો હતો. પકડાયેલો શખ્સ ડ્રગ્સનો બંધાણી હોય પીવાનો ખર્ચ કાઢવા માટે તેનું વેચાણ કરવા માટે ડ્રગ્સ લાવ્યો હોવાનું રટણ કરી રહ્યો હતો.
એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ એમ.બી.માજીરાણા, એએસઆઈ ધર્મેશ ખેર, હેડ કોન્સ્ટેબલ ઈન્દ્રસિંહ જાડેજા, હાર્દિકસિંહ જગતસિંહ પરમાર, અરુણભાઈ બાંભણિયા સહિતની ટીમે નાનામવા વિસ્તારમાં આવેલી ન્યુ રાજદીપ સોસાયટી મેઈન રોડ પર પી.પટેલ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં ડ્રગ્સનો જથ્થો લઈને ઉભેલા અંકુર ઉર્ફે બાડો કિરીટભાઈ સંઘાણિયા (ઉ.વ.૨૭)ને ૧૨.૪૧ ગ્રામ ડ્રગ્સ કે જેની કિંમત ૧,૨૪,૧૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે સહિત ૧.૩૪ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.
અંકુર અગાઉ હત્યા કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યો હોવા ઉપરાંત ડ્રગ્સ એડિક્ટ હોવાનું ધ્યાન પર આવ્યું છે. પૂછપરછમાં ખુલ્યા પ્રમાણે અંકુર છૂટક સુથારીકામ કરતો હતો પરંતુ ડ્રગ્સનો નશો મોંઘો પડી રહ્યો હોવાને કારણે તેણે પીવાના ખર્ચને પહોંચી વળવા માટે વેચવાનું પણ શરૂ કર્યું હતું. એસઓજીએ અંકુરને ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.
ડ્રગ્સની આદતને કારણે અંકુરને માતા-પિતાએ કાઢી મુક્યો’તો
ડ્રગ્સ સાથે પકડાયેલો અંકુર ઉર્ફે બાડો સંચાણિયા નશાની આદત છોડતો જ ન હોય કંટાળીને તેના પિતા કિરીટભાઈ સંચાણિયા અને માતાએ તેને ઘરમાંથી બેદખલ કરી દીધો હતો. આ પછી તે પત્ની અને સાસુ સાથે ૪૦ ફૂટ રોડ પર ઓમનગર, પ્રજાપતિ સોસાયટી શેરી નં.૩/૬ના ખૂણે કુળદેવી નામના મકાનમાં રહેતો હતો.