સેલવાસ પાસે કાર ગોથુ ખાઈ ગઈ : સુરતના ચાર પર્યટકોનાં મોત
સેલવાસના દુધની ગામ પાસે એક કાર મોટા પથ્થરો સાથે ભટકાયા બાદ ત્રણથી ચાર પલટી ખાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં સુરતના પાંચ પૈકી ચાર વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતા. એક શખ્સને ઇજા પહોંચી હતી. લોકોએ ભારે જહેમત બાદ ચાર વ્યકિતઓની લાશ બહાર કાઢી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ખાતે રહેતા સુનિલ કાલિદાસ નિકુંજ (ઉ.વ.24), હસમુખ માગોકિયા (ઉ.વ.45), સુજીત પરસોતમ કલાડીયા (ઉ.વ.45), સંજય ચંદુભાઇ ગજ્જર (ઉ.વ.38) અને હરેશ વડોહડીયો (ઉ.વ.38) સેલવાસના પર્યટક સ્થળ દુધનીની સહેલગાએ નિકળ્યા હતા. દુધની નજીકના ઉપલા મેઢા ગામની હદમાં ઘાટ ઉતરતી વેળા અચાનક કાર ચાલકનો સ્ટીયરીંગ પરનો કાબુ જતો રહેતા રોડ નજીક પથ્થરના ઢગ સાથે કાર અથડાયા બાદ ત્રણથી ચાર પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતને પગલે ગામના આગેવાનો સહિત લોકો દોડી ગયા હતા. બાદમાં લોકોએ કારમાં ફસાયેલા પાંચ વ્યકિતઓને બહાર કાઢવા કવાયત આદરી હતી. ભારે જહેમત બાદ ચાર લાશ બહાર કાઢી હતી. જ્યારે ઇજાગ્રસ્તને પણ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તમામ લાશનો કબજો લઇ પી.એમ. માટે મોકલી દીધી હતી.