યુવકે પોલીસને ફોન કર્યો, મેં છરીના ઘા મારી દીધાં છે, જલ્દી આવો !
રેલવે સ્ટેશન પાસે ૧ વાગ્યે ધીંગાણું ખેલાયું’ને ૧૬ મિનિટમાં પોલીસ કંટ્રોલ રૂમ પર આવ્યો ફોન: પોલીસે ઘાયલને હોસ્પિટલે ખસેડ્યો પણ જીવ ન બચતાં બનાવ હત્યામાં પલટાયો
પેટા: હત્યારા પાસેથી મૃતક મોબાઈલ-પૈસા પડાવી લેવા માંગતો હોય બન્ને વચ્ચે થઈ હતી મારામારી
રાજકોટમાં હત્યાનો વધુ એક બનાવ બનવા પામ્યો છે. મોબાઈલ-પૈસા પડાવી લેવા જેવી બાબતે બે યુવક વચ્ચે છરી-ધોકા વડે ધબધબાટી બોલ્યા બાદ એક યુવકને છરીના ઘા લાગી જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. વળી, જે યુવકે છરીથી હુમલો કર્યો તેણે સામેથી જ પોલીસને ફોન કરીને જાણ કરતાં પોલીસે દોડી જઈને તેની ધરપકડ કરી લીધી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રેલવે સ્ટેશનની ફૂટપાથ પર પડ્યો પાથર્યો રહેતાં કરણ શિવજી ઠાકોર (ઉ.વ.૨૫)ને બપોરે ૧ વાગ્યે આશાપુરા હોટેલ સામે આવેલી ફૂટપાથ પર પ્રવીણ રમેશ વાઘેલા નામના યુવક સાથે મારામારી થઈ હતી. કરણ નશો કરવાની ટેવ ધરાવતો હોય તેણે પ્રવીણ પાસેથી પૈસા અને મોબાઈલ પડાવવા બાબતે માથાકૂટ કરતાં વાત મારામારી સુધી પહોંચી હતી. મારામારી થઈ ત્યારે છરી અને ધોકો કરણ પાસે જ હોય તેણે હુમલો કરતાં પ્રવીણે પણ વળતો હુમલો કર્યો હતો. આ પછી કરણ પાસે રહેલી છરીથી જ પ્રવીણે એક ઘા પેડુમાં અને બીજો ઘા ડાબા પડખામાં ઝીંકી દેતાં કરણ ત્યાં જ ઢળી પડ્યો હતો.
ત્યારબાદ બપોરે ૧:૧૬ વાગ્યે પ્રવીણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘટના અંગેની જાણ કરતાં પ્ર.નગર પોલીસ મથકના રમાબેન અને રવિભાઈ દોડી ગયા હતા. પ્રવીણે ફોન પર કહ્યું હતું કે મારી પાસે એક શખ્સ પૈસા અને મોબાઈલ પડાવી લેવા માટે છરી-ધોકા લઈને મારવા આવ્યો હોવાથી મેં તેની જ છરીથી તેને ઘા મારી દીધા છે ! આટલું કહીને ફોન કાપી નાખતાં કંટ્રોલ રૂમ દ્વારા પ્ર.નગર પોલીસને જાણ કરાઈ હતી. આ પછી પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતાં કરણને ૧૦૮ મારફતે હોસ્પિટલે લઈ જવાયો હતો પરંતુ પ્રવીણ ત્યાં હાજર ન હોવાથી કંટ્રોલ રૂમ તરફથી મળેલા મોબાઈલ નંબર પર પોલીસે ફોન કરતાં પ્રવીણ થોડે દૂર જ ઉભો હોય તેને પકડી લેવાયો હતો. આ પછી પોલીસે ઘાયલ થયેલા કરણને હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
મૃતક-હત્યારો બન્ને ગાંજાના `બંધાણી’
રાજકોટમાં ડ્રગ્સ, ગાંજો, ચરસ સહિતના વેચાણ પર પોલીસ દ્વારા તવાઈ ઉતારવામાં આવી છે આમ છતાં હજુ ક્યાંકને ક્યાં છૂટક છૂટક વેચાણ ચાલી રહ્યું હોય નશેડીઓ તેની ખરીદી કરી રહ્યા છે. રેલવે સ્ટેશન પર હત્યાનો બનાવ બન્યો તેમાં મૃતક અને હત્યારો બન્ને ગાંજાના બંધાણી હોવાનું સામે આવ્યું છે. મૃતક કરણ ઠાકોરને એક પુત્ર હોવાનું પણ ખુલ્યું છે.