પંચાયત ચોક પાસે અકસ્માતની હારમાળા સર્જી હતી કાર ચાલક ફરાર
વેપારીનીના ઘરની ડેલી તોડી કાર અંદર ઘૂસાડી બાઇક અને ઇનોવા કારને ઠોકર મારી
યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે શાંતીવન સોસાયટીમાં એક કારના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી કાર ચાલકે વેપારીના મકાનની ડેલી તોડી કાર અંદર ઘૂસાડી બાઇક અને ઇનોવા કારને નુકશાની કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
પંચાયત ચોક પાસે શાંતીવન સોસાયટીમાં રહેતા અને પંચાયત ચોક ખાતે રાજેશ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા રાજેશભાઇ મનસુખભાઇ વીરાણીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં જીજે-૧૧બીઆર-૯૯૯૦ નંબરની કીયા સેલ્ટોસ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. રાજેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈ તા ૨૭/૧૧/૨૦૨૩ રાત્રે પોતે ઘરે સુતા હતા ત્યારે મકાનના પાર્કીંગમાં જોરથી અવાજ આવતા પોતે જાગી ગયા અને તપાસ કરતાં ઘરનો ડેલો અંદરની બાજુ પડી ગયો હતો. અને જીજે-૧૧-બીઆર-૯૯૯૦ નંબરની કીયા સેલ્ટોસ કાર જે પોતાના ઘરમાં પાર્કિંગમાં ઘુસી ગઇ હતી અને પાર્કિંગમાં પડેલ બાઇક અને ઇનોવા કારમાં આગળના ભાગે ભટકાડી ભાગી ગયો હતો.
વેપારી રાજેશભાઈએ પોતાના મોબાઇલમાં તેનું શુટીંગ ઉતારી લીધુ હતું. દેકારો થતાં પાડોશમા રહેતા નીલેશભાઇ પણ ઘરની બહાર દોડી આવ્યા હતા અને તેમણે કારને રોકવાનો પ્રયત્ન કરતા ચાલક કાર પુરઝડપે ચલાવી ભાગી ગયો હતો. કારમાં બે શખ્સો જોવા મળ્યા હતા. રાજેશભાઈએ યુનિવર્સિટી પોલીસ મથકમાં જીજે-૧૧બીઆર-૯૯૯૦ નંબરની કીયા સેલ્ટોસ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.