સીલ કરેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાંથી તસ્કરો ટીવી,લેપટોપ અને સીપીયુ ચોરી ગયા
આજી જીઆઇડીસીમાં
ફેક્ટરીના 500થી વધુ કર્મચારીઓને વેતન ન અપાતા કલેકટર દ્વારા કંપની સીલ કરાઇ હતી : થોરાળા પોલીસે 21 હજારની ચોરીનો ગુનો નોંધ્યો
શહેરમાં ભાવનગર રોડ પર આવેલા આજી જી.આઇ.ડી.સી.માં આવેલી અને કલેકટરના હુકુમથી સીલ કરવામાં આવેલી અમુલ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને કંપની ઓફિસના કાચ તોડી તેમ રહેલા ટીવી,લેપટોપ અને સીપીયુ મળી રૂા. ર૧ હજારની માલમતા ચોરી જતા ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ હાલ રાજકોટમાં રહેતા પૂર્વ મામલતદાર શૈલેષભાઇ જેઠાભાઇ ચાવડાએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આજી જી.આઇ.ડી.સી.માં આવેલી અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી. ફેકટરીમાં કામ કરતા ૫૦૦થી વધુ મજુરોને વેતન ચૂકવવામાં ન આવતા આ મામલે કલેકટરના હુકમ મુજબ ગત તા. ૧૨/૧/૨૦૨૪ના રોજ ફેકટરીને સીલ કરવામાં આવી હતી. આ ફેકટરીમાં આવેલી અલગ અલગ ઓફીસોમાં પડેલા સામાન સાથે તમામ ઓફીસોને પણ સીલ કરવામાં આવી હતી. ગત તા. ૩૧-૮-૨૪ના રોજ અમદાવાદમાં આવેલી સુંદરમ ફાસ્ટનેર્સ લીમીટેડ કંપની આ અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી. ફેકટરીને ખરીદ કરવા માટે રસ દાખવતા હાલમાં ભારે વરસાદના કારણે પ્રોપર્ટીમાં કોઇ નુકશાન થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવા માટે રાજકોટ કોર્ટમાં પરમીશન માંગતા નામદાર કોર્ટ તરફથી આ બાબતે બે દિવસ માટે જવાબદાર અધીકારી સાથે આ કંપનીના સીલ ખોલી ખરીદનારને કંપની બતાવવા હુકમ કરવામાં આવ્યો હતો.
જે હુકમ મુજબ કલેકટર દ્વારા ફેકટરીના સીલ ખોલ્યા હતા.અને અંદર જઈને ચકાસણી કરતા ફેકટરીમાં આવેલી સીલ કરાયેલી ઓફીસના દરવાજાના કાચ તુટેલા જોવા મળ્યા હતા અને તેમાં ટીવી, લેપટોપ, છ સીપીયુ, બે ગેઝ મશીન મળી રૂા. ૨૧૦૦૦ના સામાનની ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં થોરાળા પોલીસના પી.એસ.આઇ. એચ. ટી. જીંજાળાએ ગુનો નોંધી તપાસ હાથધરી છે.