SOGની ઓળખ આપી સસ્પેન્ડ જીઆરડી જવાને ત્યકતા પર ગુજાર્યું દુષ્કર્મ
પુત્રી સાથે એકલી રહેતી ત્યકતાને ફસાવી લગ્નની લાલચ આપી ઘરે અને હોટલ લઇ જઈ દોઢ વર્ષ સુધી દેહ ચૂંથ્યો : હેડ ક્વાર્ટરમાં પોલીસ કર્મી સાથે મારકૂટ કરતાં જીઆરડી જવાને સસ્પેન્ડ કરાયો’તો : ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી અટકાયત કરી
શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે.જેમાં ત્યકતાને સસ્પેન્ડેડ જીઆરડી જવાને પોતે એસઓજીમાં હોવાની ઓળખ આપી ફસાવીને તેણીને ઘરે તેમજ હોટેલ સહિતના સ્થળોએ લઇ જઇ દુધર્મ આચરી નગ્ન ફોટા-વિડીયો ઉતારી તેને વાયરલ કરી નાખવાની ધમકીઓ આપતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
બનાવની મળતી માહિતી મુજબ ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર ૩૫ વર્ષની ત્યકતાની ફરિયાદ પરથી સસ્પેન્ડેડ જીઆરડી જવાન આશિષ રાવલ વિરૂધ્ધ દૂષ્કર્મ અને આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેને સંકજામાં લઇ લીધો છે. ભોગ બનનાર મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે બે સંતાન છે. પતિ સાથે ૨૦૧૫માં છુટાછેડા લીધા છે. આજથી દોઢેક વર્ષ પહેલા એક પરિચીત મહિલા સાથે ફોડ થયું હોઇ આ અંગે આરોપી આશિષ રાવલના પત્નિ સાથે વાત કરી હતી. આ પછી આશિષે તેમાંથી ફોન નંબર મેળવી મેસેજ કરવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે પરિચય થયો હતો. શરૂઆતમાં આશિષે પોતે એસઓજીમાં હોવાની ઓળખ આપી હતી.આશિષે કહ્યું હતું કે તેણે પત્નિ સાથે છુટાછેડા લઈ લીધા છે અને તે લગ્ન કરવા માગે છે. લગ્નની લાલચ આપી આશિષે તેણીના ઘરે તેમજ અલગ અલગ હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.દરમિયાન તેણે ફોટા વિડીયો પણ લઈ લીધા હતા.
ત્યકતાને આશિષ ખોટુ બોલતો હોવાની અને તે તેની પત્નિ સાથે જ રહેતો હોવાની જાણ થતાં તેણીએ સંબંધ તોડી નાખવાનું નક્કી કરતા આરોપી આશિષે સબંધ નહિ રાખે તો ફોટા વાયરલ કરી દઇશ કહી ધમકી આપી હતી.બાદમાં ત્યકતાના પિતાને ન્યુડ ફોટા મોકલી દીધા હતા. આ ઉપરાંત લીમડા ચોક પાસે પણ તેણીને આશિષે માર માર્યો હતો. તેના ત્રાસથી કંટાળીને અંતે તેણીએ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. જેથી પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.વધુમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,આશિષ પોલીસ હેડકવાર્ટરના એમટી વિભાગમાં જીઆરડી તરીકે નોકરી કરતો હતો. જ્યાં તેણે માથાકુટ કરતા ચાર માસ પહેલા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.