ત્રણ પિસ્તોલ અને 65 બુલેટ: સિદ્દીકીનીહત્યારાઓ પૂરી તૈયારી સાથે આવ્યા હતા
એનસીપી અજીત પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની તારીખ 12 ઓક્ટોબરની રાત્રે બાંદ્રાના નિર્મલ નગર વિસ્તારમાં તેમના પુત્ર ઝીશાન સિદ્દીકી ની ઓફિસ બહાર થયેલી હત્યા માટે પૂરતું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. કોઈપણ સંજોગોમાં બાબા સિદ્દીકી બચે નહીં તે સુનિશ્ચિત કરવા માટે હત્યારાઓએ કરેલા આયોજનની મુંબઈ પોલીસે સનસનીખેજ વિગતો જાહેર કરી હતી.પોલીસે આ હત્યા બારામાં અત્યાર સુધીમાં બે શૂટર હરિયાણાના ગુરુમીલ બલજીતસિંહ, યુપીના ધર્મરાજ રાજેશ કશ્યપ ઉપરાંત હરીશ કુમાર નિશાદ અને પુણેના પ્રવીણ લોંકર નામના ચાર શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી અને શૂટર શિવકુમાર ગૌતમ અને શુભમ લોંકર ફરાર થઈ ગયા છે.
પકડાયેલા આરોપીઓ પાસેથી મળેલો હથિયારનો જથ્થો ચોંકાવી દે તેવો છે. બંને પકડાયેલા આરોપીઓ પાસેથી એક ઓસ્ટ્રિયન બનાવટની પિસ્તોલ અને એક દેશી બનાવટની પિસ્તોલ ઉપરાંત 28 બુલેટ મળી આવ્યા હતા. બાદમાં થોડી દુરથી જ મળેલી એક કાળી બેગમાંથી વધુ એક તુર્કીશ બનાવટની 7.62 બોર પિસ્તોલ અને 30 જીવતા કારતુસ મળી આવ્યા હતા.
એ બેગમાંથી ભાગેડુ મુખ્ય આરોપી શિવકુમાર ગૌતમ અને સુમિત કુમાર ના નામના બે આધાર કાર્ડ મળ્યા હતા. જો કે સુમિત કુમારના આધાર કાર્ડમાં પણ ફોટો શિવકુમારનો હતો એટલે એ નકલી આધાર કાર્ડ હોવાનું માનવામાં આવે છે. પોલીસે ધરપકડ કરેલા ચાર આરોપીઓ માંથી નિશાદ અને કશ્યપ બંને શિવકુમાર ગૌતમના ગામડામાં જ રહેતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.બીજી તરફ ભાગેડુ આરોપી શુભમ લોંકર માટે મુંબઈ પોલીસે લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો છે. તે હાલમાં પણ માફિયા નેટવર્ક સાથે સંપર્કમાં હોવાની અને નેપાળ ભાગી જવાની વેતરણમાં હોવાની પોલીસને આશંકા છે.
અગાઉ દસ વખત હત્યાના પ્રયાસ કર્યા હતા
પોલીસની પૂછપરત દરમિયાન આરોપીઓએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે આ અગાઉ પણ 10 વખત બાબા સિદ્દીકીની હત્યા માટે પ્લાનિંગ કર્યું હોવાની કબૂલાત આપી હતી.જો કે દરેક વખતે ભારે ટ્રાફિક અને બાબા સિદ્દીકી લોકો વચ્ચે ઘેરાયેલા હોવાથી આરોપીઓ ફાયરિંગ નહોતા કરી શકયા.અંતે 12 ઓકટોબરની રાત્રે તેમણે ઘટનાને અંજામ આપી દીધો હતો. આરોપીઓની આ કબુલાતને પગલે લાંબા સમયથી હત્યાનું કાવતરું ચાલતું હોવા છતાં અને બાબા સિદ્દીકીની જાન ઉપર જોખમ હોવાની જાણકારી હોવા છતાં કોઈને તેની ગંધ કેમ ન આવી તેવો સવાલ ઊભો થયો છે.
બાઈકને અકસ્માત થતાં રિક્ષામાં આવી ઘટનાને અંજામ આપ્યો
આરોપીઓ મૂળભૂત રીતે બે બાઈકમાં બેસી હત્યા કરવા નીકળ્યા હતા. ગોળીબાર કરી અને એ જ બાઈક ઉપર ભાગી જવાનો પ્લાન હતો.જો કે તે પૈકીના એક બાઈકને અધવચ્ચે અકસ્માત થતાં આરોપીઓ રિક્ષામાં બેસીને આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર હરીશ કુમાર નિશાદે બાઈક ખરીદવા માટે ૬૦ હજાર રૂપિયા આપ્યા હતા અને તેમાંથી આરોપીઓએ ૩૨ હજાર રૂપિયામાં સેકન્ડ હેન્ડ બાઈક ખરીદ્યું હતું.હત્યા કર્યા બાદ તુરંત જ આરોપીઓએ વસ્ત્રો બદલાવી નાખ્યા હતા.
યુ ટ્યુબમાંથી ગન ચલાવતા શીખ્યા
મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ફાયરઆર્મ્સનો અનુભવી હતો. લગ્ન સમારંભોમાં ફાયરિંગ દ્વારા ઉજવણી કરવા માટે તે પ્રખ્યાત બન્યો હતો.પકડાયેલા બે શૂટર ગુરુમીલ બલજીત સિંહ અને ધર્મરાજ કશ્યપને પણ શિવ કુમારે જ ગન શૂટિંગ કરવાનું શીખવ્યું હતું. હત્યાના થોડા દિવસ પહેલા આ બંને શખ્સોએ એક મકાન ભાડે રાખ્યું હતું અને તેમાં લોડિંગ અને લોડિંગ કરવાની પ્રેક્ટિસ કરી હતી.
શુભમ લોંકર પાસેથી હથિયારોનો મોટો જથ્થો આ અગાઉ પકડાયો હતો
બાબા સિદ્દીકીની હત્યા માટે બિશ્નોઇ ગેંગની જવાબદારી સ્વીકારનાર શુભમ લોંકર હત્યાના ત્રણ દિવસ પહેલા સુધી સોશિયલ મીડિયા પર સક્રિય હતો. તમામ આરોપીઓ સ્નેપ ચેટ અને ઈન્સ્ટાગ્રામ જેવા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી એકબીજાના સંપર્કમાં હતા. શુભમ લોંકરની પોલીસે જાન્યુઆરી મહિનામાં
હથિયાર ધારાના ભંગ બદલ ધરપકડ કરી હતી અને બાદમાં તેની પાસેથી 10 કરતા વધારે ફાયર આર્મસ મળી આવ્યા હતા.
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં વધુ એક શખ્સ ઝડપાયો
તારીખ 14 એપ્રિલના રોજ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાના કેસમાં નવી મુંબઈ પોલીસે બિશ્નોઇ ગેંગના સુખા નામના શુટરની પાણીપતના એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી હતી. આ કેસમાં અગાઉ ગુજરાતના કચ્છમાંથી પણ બે આરોપીઓ ઝડપાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ સુખાએ આ અગાઉ સલમાન ખાનના પનવેલ ખાતે આવેલા ફાર્મ હાઉસની રેકી કરી હતી. નોંધનીય છે કે સલમાનના ઘર ઉપર ફાયરિંગ થયું તે પછી જૂન મહિનામાં પણ તે પનવેલ ફાર્મહાઉસ ખાતે જઈ રહ્યો હોય ત્યારે તેની હત્યા કરવાના કાવતરા નો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ સલમાન ખાનના ઘર તેમજ ફાર્મ હાઉસ ઉપર રેકી કરવા માટે બિશ્નોઇ ગેંગે 60 થી 70 લોકોને કામે લગાડ્યા હતા. સુખાની પૂછપરછ દરમિયાન હજુ પણ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની સંભાવના છે.