શહેરમાં રીક્ષા ગેંગ ફરી સક્રિય બની છે. રીક્ષા ગેંગના ત્રણ શખ્સોએ વતન જતાં શ્રમિકને નિશાન બનાવી તેના ખિસ્સામાંથી રૂ.41 હજાર રોકડ સેરવી લેતા આજીડેમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વતન જતાં મજૂર રિક્ષામાં બેઠા ત્યારે ત્રણ શખ્સોએ રોકડ શેરવી લીધી
બનાવ અંગેની વિગતો મુજબ મહિકા ગામના પાટીયા પાસે ભારત પેટ્રોલપંપની પાછળ મામા સાહેબના ખીજડા પાસે ખેડૂતની વાડીએ રહેતાં મૂળ છોટાઉદેપુરના બોડેલીમાં રહેતાં અરવીંદભાઈ ગોવીંદભાઈ નાયકા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઓટો રીક્ષા નં. જીજે.03.સીટી.0050 ના ચાલક તેમજ તેની પાછળ બેસેલ અજાણ્યાં ત્રણ શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષથી વાડીના મકાનમાં રહી ખેતીકામ કરે છે.વતનમાં માતાજીના હવનમાં જવાનું હોય જેથી તેના શેઠ પાસેથી રોકડા રૂ.40 હજાર લઇ ભત્રીજા સાથે મહીકા ગામના પાટીયેથી એક ઓટો રીક્ષા બેસી એસ.ટી. બસ સ્ટેશન જતાં હતા ત્યારે આ ઓટો રિક્ષા ચાલકે લકીરાજ પાર્ટી પ્લોટથી આગળ, મોગલ માતાજીના મંદીર સામે, રોડ ઉપર પહોંચતા તેની રીક્ષા ઉભી રાખી આગળ જવાની ના પાડી હતી અને બંનેને ત્યાં જ ઉતારી દીધા હતા. ત્યારે નીચે ઉતરીને મજૂરે તેમનું ખિસ્સું તપાસતા રોકડા રૂ.41 હજાર જોવામાં નહીં મળતા તેમને આજીડેમ પોલીસે ગુનો નોંધાવતા પોલીસ સીસીટીવી ફુટેજના આધારે રીક્ષાગેંગની શોધખોળ હાથ ધરી હતી.