જામનગર રોડ પર પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં નિવૃત્ત પોલીસમેનના પુત્રએ ચોરી કરી’તી
ગત ૧૯ માર્ચે જામનગર રોડ ઉપર ગાયત્રીધામ સોસાયટીમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને ૪૦ હજારની રોકડ ભરેલી દાનપેટીની ચોરી કરી હતી. એકંદરે મંદિરની અંદર ચોરી થતાં ભાવિકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે ગાંધીગ્રામ પોલીસે આ ચોરીને અંજામ આપનાર નિવૃત્ત પોલીસમેનના પુત્ર તેમજ તેના બે સાગ્રીતોને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ ભેટારિયા, શબ્બીરખાન મલેક, મુકેશભાઈ સબાડ સહિતની ટીમે જૂના એરપોર્ટની દિવાલ પાસેથી શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી ઓટો રિક્ષા નં.જીજે૩એડબલ્યુ-૦૧૭૮ને અટકાવી તેના ચાલક વિવેક બીરેન્દ્રસિંગ ચૌહાણ (મુળ, ઉત્તરપ્રદેશ, હાલ રાજકોટ)ની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે તેના સાગ્રીતો સાથે મળીને ઉપરોક્ત મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
વિવેક ચૌહાણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે નિવૃત્ત પોલીસમેનના પુત્ર ઈકબાલ મહમ્મદઅલી મકરાણી (ઉ.વ.૩૯) અને હમીદ અલીભાઈ જુણેજાને પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં રહેલી દાનપેટીની ચોરી કરવા માટે તૈયાર કર્યા હતા. ત્રણેયે ૧૯ માર્ચે સવારના સમયે મંદિરની રેકી કરી હતી મધરાત્રે ચારેક વાગ્યાના અરસામાં ત્રાટકીને દાનપેટી ઉઠાવી લીધી હતી. ચોરી કરતી વખતે ઈકબાલ મકરાણી બહાર ઉભો રહેતો અને હમીદ જુણેજા રિક્ષામાં જ બેઠો રહેતો હતો જ્યારે વિવેક મંદિરમાં જઈ ચોરીને અંજામ આપતો હતો. ચોરી થઈ ગયા બાદ ત્રણેય સરખા ભાગે રોકડ વહેંચી લેતાં હતા. પકડાયેલા ઈકબાલ અને વિવેક સામે આઠેક ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.